Ahmedabad News: અમદાવાદના ચંડોળા તળાવને મીની બાંગ્લાદેશ બનાવરનાર લલ્લા બિહારીની અમદાવાદ પોલીસે રાજસ્થાનનથી ધરપકડ કરી છે, જ્યારે આ પહેલા એટલે 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહંમદની ધરપકડ થઈ ચૂકી છે.
અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનો ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર ધરપકડ કરી છે. હવે બાંગ્લાદેશના આખા રેકેટની વિગતો સામે આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમ રાજસ્થાનથી અમદાવાદ લઈને આવી રહી હોવાનો દાવો કરી રહી છે. લલ્લા બિહારી પ્રસંગમાં રાજસ્થાનના ગયો હોવાની વાત મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, પણ તે હાથ લાગ્યો નહોતો. પરંતુ હવે તે પોલીસ પકડમાં આવી ગયો છે.
લલ્લા બિહારી ગેરકાયદે વસવાટ કરાવીને ભાડા પર મકાન ભાડે આપતો હતો. પિતા-પુત્ર સરકારી જમીન પર મકાન બનાવીને ભાડે આપતા હતા. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહંમદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીનાં 5 ઘરનાં સરનામાં મળ્યાં હતાં. લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેનાં પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા છે.
સ્થાનિક રાજકીય નેતાઓએ મદદગારીનો ખુલાસો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) 200 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. બાંગ્લાદેશીઓની તપાસ દરમિયાન કેટલાક પાસે ભારત દેશના હોવાના આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજ મળ્યા છે. તો કેટલાક પાસે કોઈ પણ દસ્તાવેજ મળ્યા નથી. જે લોકો પાસે બનાવટી દસ્તાવેજ મળ્યા છે, તેમની તપાસમાં અનેક ખુલાસા થયા છે. ગેરકાયદેસર રહેતા લોકોને લલ્લા બિહારી મદદ પૂરી પાડતો હતો તેની સાથે કેટલાક રાજકીય નેતા પણ મદદ પુરી પાડતા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, રાજકીય સ્થાનિક નેતાઓના લેટરપેડથી ભલામણ કરતો હતો અને બંગાળીઓના ભારતીય ડોકયુમેન્ટ પણ બનાવતો હતો,
સ્થાનિક નેતાઓ, અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં જે રીતે લલ્લા બિહારી પોતાનું સામ્રાજય ચલાવતો હતો તેની પાછળ કેટલાક સરકારી અધિકારીઓની પણ મિલિભગત હોવાની શક્યતા છે. આ મામલામાં કોઈ સરકારી અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. ઘૂસણખોરોના બોગસ ડૉક્યુમેન્ટ બનાવવામાં સ્થાનિક નેતાઓની સંડોવણી ખુલતા પોલીસ તેઓની પણ પૂછપરછ કરી શકે છે.