-
Ahmedabad માં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસની મોટી કાર્યવાહી
-
ચંડોળા તળાવ પાસે બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદે વીજ જોડાણ કટ કરવાની શરૂઆત
-
ગેરકાયદે રહેતા ઘુસણખોરોની અટકાયત બાદ તપાસમાં ખુલાસો
-
70થી વધુ પાસે કોઈ પ્રૂફ નહીં અને 100 પાસેથી નકલી ડોક્યુમેન્ટ મળ્યા
Ahmedabad News: કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દેવામા આવ્યા છે, તો બીજી તરફ સરકારે ગેરકાયદેસર રીતે ભારતમા ઘૂસી ગયેલા બાંગ્લાદેશીઓ (illegal Bangladeshi) સામે સર્જીકલ સ્ટ્રાઇક (Surgical Strike) શરુ કરી છે. જેને પગલે ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને હાંકી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. અમદાવાદ, સુરત, વલસાડ સહિત વિવિધ શહેરોમાંથી બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ચંડોળા તળાવ (Chandola Lake) નજીકથી પકડેલા 890 પૈકી 70 જેટલા બાંગ્લાદેશીઓ પાસે ભારતીય ડોક્યુમેન્ટ મળ્યા નથી. તો બીજી તરફ 100થી વધુ બાંગ્લાદેશીઓએ બનાવટી ડોક્યુમેન્ટથી ભારતીય ડોક્યુમેન્ટ બનાવ્યાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કટ કરવાની શરૂઆત કરાઈ છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે રહેતા હતા. તેમની અટકાયત કરવામાં આવ્યા બાદ હવે વીજ કનેક્શન કટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટોરેન્ટ પાવર દ્વારા 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. ગેરકાયદે વીજ જોડાણ કટ કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
નોંધનીય છેકે, 25 એપ્રિલથી અમદાવાદ પોલીસ (Ahmedabad Police)ની વિવિધ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે સવાર સુધીમાં ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી 890 જેટલા ગેરકાયદે રીતે રહેતા લોકોની અટકાયત કરાઈ છે. અટકાયત કરવામાં આવેલા લોકોને દોરડા વડે કોર્ડન કરવામાં આવ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
મહત્ત્વનું છે કે, હાલમાં 700 જેટલા શખ્સોનું ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા વેરીફિકેશનની કામગીરી ચાલુ છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે કેન્દ્રીય ગૃહ વિભાગ અને એમ્બેસી દ્વારા કાર્યવાહી હાથ ધરાશે.
આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, પકડાયેલા કેટલાક શખ્સોએ આંગડીયા પેઢી મારફતે પશ્વિમ બંગાળમાં આંગડીયા મારફતે લાખો રૂપિયા મોકલ્યા છે. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને જીલ્લા પોલીસ દ્વારા આંગડીયા પેઢીઓ સાથે મિટિંગ કરીને છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી પશ્વિમ બંગાળમાં થયેલ આંગડીયા બાબતે વિગતો માંગી છે.