Ahmedabad Air India Plane Crash :- 12 જૂન 2025ના રોજ થયેલા અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં અંદાજે 241 જેટલા લોકોનું મૃત્યુ થયું છે. પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થવાના કારણે અનેક સ્થાનિકોના મૃત્યુ થયા છે. બી જે મેડિકલની મેસ પર વિમાન ક્રેશ થવાના કારણે રેસિડેન્ટ ડોક્ટર્સ અને ત્યાં કામ કરતા અનેક કામદારોના મૃત્યુ થયા છે. ત્યારે હવે આ મામલે, પ્લેન ક્રેશ મામલે મેઘાણીનગર પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. અકસ્માતે મોતના ગુનાની તપાસ નરોડા PIને સોંપાઇ છે. પ્લેન ક્રેશની ધટનામાં બચી જનારા એકમાત્ર ઉતારુ વિશ્વાસ ભાલિયાનું નિવેદન લેવામાં આવશે. જ્યાંથી ફ્લાઈટની ટિકિટ ઇસ્યુ થાય છે ત્યાંના લોકોના પણ નિવેદન લેવાશે. પેસેન્જર ચેકિંગ અને ટિકિટ કાઉન્ટરના સ્ટાફના પણ નિવેદન લેવાશે. એરપોર્ટમાં અલગ અલગ વિભાગોના કર્મચારીઓના નિવેદન લેવાશે. આવનારા સમયના તપાસ કોઈ એજન્સીને સોંપવામાં આવશે તેમ સુત્રોમાં જણાવવામાં આવ્યું હતું.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો સહિતની વિવિધ એજન્સીના 60 લોકોની ટીમ કરી રહી છે તપાસ
પ્લેન ક્રેશ અંગે વિવિધ તપાસ એજન્સીના 60 લોકોની ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. અલગ અલગ એજન્સી દુર્ઘટના સ્થળેથી તુટી પડેલા પ્લેનમાંથી સેમ્પલ લઈ રહ્યા છે. એર ઈન્ડિયાના બોઈગ 787 વિમાનની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે થશે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ટીમ પણ તપાસ કરી રહી છે. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ તપાસ કરી રહી છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા તપાસ કરાઈ રહી છે
આ દુર્ઘટનામાં ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં ફક્ત એક જ લોકો આ દુર્ઘટનામાં બચી શક્યા છે. બાકીના બધાના મોત થયા છે. સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. અગાઉ APએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા.