બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે ભાજપ કોને ચૂંટણી મેદાને ઉતારે છે તેના પર કોંગ્રેસની નજર ઠરી છે. સૂત્રોના મતે, કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારના નામની ઘોષણા કરશે.
દાવેદારોના નામ દિલ્હી હાઇકમાન્ડને મોકલી દેવાયા
વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર તા. 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે મૂરતિયાની શોધખોળ આદરી છે. આ તરફ, કમલમમાં બેઠક બાદ દાવેદારોના નામ દિલ્હી હાઇકમાન્ડને મોકલી દેવાયા છે. જ્યારે કોંગ્રેસમાં પણ કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે.
23મી ફોર્મ ભરવાની અંતિમ તારીખ
વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે. જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 23મી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે એકાદ-બે દિવસ બાકી રહ્યા છે.
ભાજપ ઉમેદવાર જાહેર કરે ત્યાર બાદ જ કોંગ્રેસ મૂરતિયો કોણ છે તે નામની ઘોષણા કરશે. મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રદેશ નેતાઓ સાથે વાવના દાવેદારો સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી. વાવ બેઠક પર ઠાકરશી રબારી અને ગુલાબસિંહ રાજપૂત મજબૂત દાવેદારો મનાઇ રહ્યાં છે. કોંગ્રેસ હાઇકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે એકાદ દિવસમાં જ ખબર પડશે.
કોંગ્રેસના સંભવિત ઉમેદવાર
માં કે.પી.ગઢવી
ગુલાબસિંહ રાજપૂત
ઠાકરશીભાઈ રબારી
માવજી પટેલ
ભાજપના સંભવિત ઉમેદવાર
સ્વરૂપજી ઠાકોર
તારાબેન ઠાકોર
અમથુજી ઠાકોર
કરશનજી ઠાકોર
ગગજી ઠાકોર
વીરાજી ઠાકોર
દિલીપ વાઘેલા
રજનીશ ચૌધરી
મુકેશ ઠાકોર
શૈલેષ ચૌધરી
લાલજી પેટલ
જની પેટલ
ગજેન્દ્રસિંહ રાણા