- BJPમાં વધુ એક લેટર બોમ્બ, બીજેપીના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ CMને પત્ર લખી હૈયાવરાળ ઠાલવી
- પહેલા ગેરકાયદે ખનન બંધ કરાવો પછી નાના દબાણો દૂર કરજો… ભાજપના MLAએ રોકડું પરખાવ્યું
Kutch News: ભાજપ (BJP) સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોએ રાજ્ય સરકારને અધિકારીઓ ગાંઠતા નથી કે તેમનું માન જળવાતું નથી તેવી ફરિયાદ કરી છે. સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, પ્રોટોકોલ જળવાયો ન હોવાની 9 ફરિયાદો જૂદા-જૂદા મંત્રીઓ-ધારાસભ્યો અને સાંસદો દ્વારા કરવામાં આવી છે. આ કડીમાં હવે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મેદાનમાં આવ્યા છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ગૃહ મંત્રીને લેટર લખતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતના સોમનાથથી શરૂ થયેલી દબાણ હટાવવાની કામગીરી કચ્છ જિલ્લામાં પહોંચી છે. ત્યારે અબડાસા ભાજપના ધારાસભ્ય દબાણ હટાવો ઝૂંબેશથી નારાજ થયા છે, તેમણે સરકારમાં પત્ર લખીને માગ કરી છે કે, કચ્છમાં દબાણ હટાવો કામગીરી મુલત્વી રાખવામાં આવે અને નાના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે નહી, તો અધિકારીઓ પણ ધારાસભ્યની વાતને માનતા નથી તેવો આક્ષેપ ધારાસભ્યએ પત્રમાં કર્યો છે, નાના વેપારીઓના દબાણ જો હટાવવામાં આવશે તો તેમની રોજગારીનું શું તેને લઈ ધારાસભ્યએ ખુલીને પત્ર લખ્યો છે અને આ કામમાં તેમને સહકાર મળે તેવી માંગ પણ કરી છે.
તેમણે કહ્યું કે, મહાપાલિકામાં કિંમતી જમીન ઉપર દબાણ હટવામાં આવે છે તે યોગ્ય છે પંરતુ અબડાસામાં જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તે મહા પાલિકા કરતા જુદી છે અને કિંમતી જમીન નથી. અબડાસા બોર્ડર વિસ્તાર છે જો નાના લોકોના દબાણ તોડવામાં આવશે તો સરહદી વિસ્તારમાંથી લોકો પલાયન કરશે અને બોર્ડર ખાલી થઈ જશે. તેમણે સરકારમાં પત્ર લખીને રજૂઆત કરી છે, કચ્છમાં દબાણ હટાવો કામગીરી મુલત્વી રાખવા માગ કરવામાં આવી છે. ત્યારે સરકાર ધારાસભ્ય પ્રધુમનસિંહની વાતને સમર્થન આપે છે કે નહી તે જોવાનું રહ્યું.
પહેલા ખનીજ ચોરી બંધ કરાવો : પ્રદ્યુમનસિંહ
વધુમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનું કહેવું છે કે, જે ખનીજ ચોરી થાય છે તેને પહેલા બંધ કરાવો, તેમની સામે તો પગલા લેવામાં આવતા નથી અને નાના વેપારીઓ સામે પગલા લેવામાં આવે છે આ વાત ખોટી છે, વધુમાં ધારાસભ્યએ એ પણ કહ્યું કે, બિલ્ડરો અને ભૂમાફિયાની જમીન ખુલ્લી કરાવો તો ખબર પડશે કે, કેટલા અધિકારીઓ સાચા અને કેટલા અધિકારીઓ ખોટા છે.ગુનેગારોનું દબાણ હટાવું તે યોગ્ય છે પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો-મોટો કેસ થયો હોય અને હાલે કોઈ કેસ બાકી ન હોય અને કેસો પુરા થઇ ગયા હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવીને માનસીક ત્રાસ આપવો યોગ્ય નથી તેવું ધારાસભ્યનું કહેવું છે.
કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામા આવ્યો હતો કે, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોનો પ્રોટોકોલ ન જળવાતા હોવાની કેટલી ફરિયાદો સરકારને અત્યાર સુધીમાં મળી છે? આ બાબતે સરકારના પ્રોટોકોલ મંત્રીએ જવાબ રજૂ કર્યો હતો કે, 9 જેટલી ફરિયાદો મળી છે. મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાય તેવી સ્થાયી સૂચનો છે પરંતુ, તેમ છતાં પ્રોટોકોલ જળવાતો નથી. મહત્ત્વનું છે કે ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ગાંઠતા નથી. સરકારને મળેલી ફરિયાદમાં મંત્રી, ધારાસભ્યો અને સાંસદોએ કહ્યં કે, અમારા મત વિસ્તારમાં જાહેર કાર્યક્રમો હોય તેમાં ધારાસભ્યોને બોલાવવામાં નથી આવતાં. આ સિવાય આમંત્રણ પત્રિકામાં પણ નામ નથી હોતા. ઘણાં કાર્યક્રમોમાં બોલાવવામાં આવે તો તક્તીઓમાં નામ નથી મૂકવામાં આવતાં.
ક્યાં ધારાસભ્ય-સાંસદોએ કરી ફરિયાદ?
જે મંત્રીઓ-સાંસદ, ધારાસભ્યોએ પ્રોટોકોલ બાબતની ફરિયાદ કરી છે તેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, દિપસિંહ રાઠોઠ, જશવંતસિંહ પરમાર, સેજલ પંડ્યા, અરવિંદ લાડાણી, શામજી ચૌહાણ, વિનોદ મોરડીયા, હેમંત ખવા સહિતના લોકોનો સમાવેશ થાય છે.