Aam Aadmi Party: આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઈટાળીયા (Gopal Italy) એ જાહેર નિવેદન આપ્યું હતું કે જાહેર જીવનમાં રાજકીય આરોપ – પ્રતિઆરોપ હંમેશા ચાલતા રહેવાના છે. એકબીજી પાર્ટીની અને પાર્ટીના નેતાઓની બાબતમાં જાહેર નિવેદન પણ ચાલતા રહેશે. મને કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ તકલીફ નથી. મારો વિરોધ માત્ર અને માત્ર વૈચારિક તેમજ રાજકીય મુદ્દા આધારિત છે. કોઈના માટે અંગત નથી. તેમણે વિનંતી કરતા આગળ લખ્યું કે ભાજપમાં જો કોઈ ઠરેલ બુદ્ધિનો, પીઢ અને સમજદાર નેતા હોય તો તેને મારી એટલી જ વિનંતી છે કે, મહેરબાની કરીને તમારા મંત્રીને સમજાવો કે તે જોકરવેડા ન કરે.
મંત્રી સિંઘમ નહીં પણ જનતાની નજરમાં જોકર લાગે
મારો વિરોધ મુદ્દા આધારિત છે. વિપક્ષનો વ્યક્તિ અથવા બિન-ચૂંટાયેલ વ્યક્તિ કદાચ કોઈ એલફેલ નિવેદન કરે તો પણ જનતા તેની ખાસ ગંભીર નોંધ લે નહીં એવું બની શકે. પરંતુ સરકારમાં રહેલ કોઈપણ મંત્રી માઈક હાથમાં આવતાવેંત ડાયલોગબાજી કરે તેનાથી મંત્રી સિંઘમ નહીં પણ જનતાની નજરમાં જોકર લાગે છે. ઈટાળીયાએ ગત સરકારના ઉદાહરણ આપતા કહ્યું કે વિજયભાઈ રૂપાણી સંગઠનના ગમે તેવા કુશળ જાણકાર હોવા છતાંય સોશિયલ મીડિયામાં અનેક ક્લિપના કારણે નજરમાં હાસ્યાસ્પદ બન્યા હતા. પરિણામે ભાજપને રાજકીય રીતે મેનજ કરવામાં તકલીફ પડતી હતી અને અંતે તેમણે રાજીનામુ આપવું પડ્યું હતું. ભાજપ પાર્ટી ગમે તેટલી સફળ હશે પણ મંત્રીના જોકરવેડાના કારણે ધીમે ધીમે રોજ ભાજપ હાસ્યાસ્પદ બનતી જાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સારું કામ કરતા હોય કે ન કરતા હોય પણ તેઓ સંયમથી વર્તે છે, સંયમથી બોલે છે, વધુ પડતી ફાંકા ફોજદારી કરતા નથી, માઈક જોઈને જેમ ફાવે ડાયલોગબાજી નથી કરતા એટલે વિપક્ષોને પણ તેમના વિરૂદ્ધમાં બોલવાનો મોકો નથી મળતો.
BZ ગ્રુપની ઘટનાથી ભાજપને નુકસાન
BZ ગ્રુપની ઘટના ટીવી અને સોશિયલ મીડિયામાં ધીમે ધીમે જૂની થઈ ગઈ. પરંતુ મંત્રીએ પોતાના અમુક કહેવાતા મીડિયાના સલાહકારની વાહિયાત ચાંડાળ ચોકડીની વાતોમાં આવીને આમ આદમી પાર્ટી ઉપર ખોટા આરોપો કરતા જનતાએ ખુદ વીણી વીણીની BZ ગૃપ તેમજ નકલી સીબીઆઈ સહિતની જૂની બધી ઘટનાઓ વાયરલ કરી ભાજપને ઘેરી લીધી. મંત્રીના આ વાહિયાત કારનામાંથી ભાજપને શું ફાયદો થયો?? મંત્રીને સલાહ આપનાર ચાંડાળ ચોકડીની વાતોમાં આવીને મંત્રીએ કરેલ જોકરવેડાથી આમ આદમી પાર્ટીને કોઈ નુકશાન થાય કે ન થાય પણ ભાજપનો ધરાઈ ધરાઈને ફજેતો થયો છે.