Gujarat News: રાજ્યમાં અનેક સાહસિકોએ નવા ઉદ્યોગો શરૂ કરીને લાખો પરિવારોને રોજગારી આપીને તેમના સપનાં સાકાર કરવામાં મદદ કરી છે. આજે ઉદ્યોગ ક્ષેત્ર માત્ર પુરુષો પુરતું સીમિત નથી રહ્યું. રાજયની અનેક ઉદ્યોગલક્ષી યોજનાઓના અમલીકરણથી મહિલાઓ પણ બિઝનેસ વુમન બની તેમના પરિવારને મદદ કરી આત્મનિર્ભર બની રહી છે. ઉદ્યોગ સાહસિકોની તમામ પ્રકારની ચિંતા અને મુશ્કેલીને સમજીને નવા વિચારો સાથે ઉદ્યોગ વિભાગ કાર્ય કરી રહ્યું છે.
નવા વિચારો સાથે ઉદ્યોગ વિભાગ કાર્ય કરી રહ્યું છે
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યમીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી વિવિધ પહેલોના પરિણામે ભારતના અનેક યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળ્યું છે. તેના પરિણામે આજે અનેક વૈશ્વિક ઉદ્યોગો ઉપરાંત લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે.8,300થી વધુ ઉદ્યોગ સાહસિકોને વિવિધ યોજના હેઠળ કુલ રૂ.3,630 કરોડથી વધુની સહાય, ભરૂચ, પોરબંદર અને બનાસકાંઠા જિલ્લાના GIDC વિસ્તારની વિવિધ માળખાકીય સુવિધાઓનું ઈ-લોકાર્પણ, સાણંદ GIDC 2.0ની વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેના ભંડોળની ફાળવણી તેમજ વિવિધ ઉદ્યોગ કાઉન્સિલોનો શુભારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ ગુણવત્તા રથને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ 50 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લામાં ફરીને નાના-મોટા ઉદ્યોગોની મુલાકાત લઈને ઉદ્યોગોમાં ગુણવત્તા કેળવવા બાબતે જાગરૂકતા ફેલાવશે.
મૂખ્યમંત્રીએ ગુણવત્તા રથને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું
સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી પ્રથમ છે. સાથે જ મહિલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યામાં પણ ગુજરાતમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.3 ટકા જેટલો છે, વર્ષ 2030 સુધીમાં તેને 10 ટકા સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સાથે સૌ ઉદ્યોગ સાહસિકોએ પણ સહભાગી થવાનું છે.વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે જે પ્રકારે ખેડૂતોને રાજ્ય સરકાર દિવસે વીજળી પૂરી પાડે છે, તેવી જ રીતે આગામી સમયમાં ગ્રીન એનર્જી અને સોલાર એનર્જી ઉદ્યોગોને અવિરતપણે મળી રહે તે દિશામાં ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.જેનાં પરિણામે આજે ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગો માટે માત્ર છ દિવસમાં જમીન ફાળવણી અને 60 દિવસમાં ભૂમીપૂજન થઇ શકે તે પ્રકારની ફાસ્ટટ્રેક વ્યવસ્થાઓ વિકસાવાઈ છે. રાજ્યના નાના ઉદ્યોગકારો ક્લસ્ટર બનાવીને કોમન ફેસીલીટીનો ઉપયોગ કરીને લોજીસ્ટીક ખર્ચ ઘટાડવા માટે મંત્રીએ આહ્વાન કર્યું હતું.