Gujarat budget: ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડીસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ. વધુમાં મેડીસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટીટ્યુટ બનાવવાની જાહેરાત કરું છું.ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ-ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે આધુનિક લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસમાં 1390 નવી જગ્યા
રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ ₹352 કરોડની જોગવાઇ સૂચવું છું.કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર
ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપવાના હેતુથી માનનીય વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ એક પેડ માઁ કે નામ અભિયાન થકી ગ્રીન કવચ વધારવા રાજ્યમાં આ વર્ષે 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. જેને આગળ વધારતાં રાજ્યમાં લોકભાગીદારીથી વૃક્ષોનું આવરણ વધારવા હરીત વન પથ હેઠળ ₹90 કરોડની જોગવાઇ સૂચવું છું.રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતિની ખરાઇ માટે સંબંધિત કચેરીમાં-બેન્કમાં રૂબરૂ જવું પડે છે. હવે રાજ્યના 5 લાખ 14 હજાર પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઇ ઓનલાઇન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરું છું.