Gujarat budget: ગુજરાતની 50% ઉપરાંત વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે. દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલિન માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી
બે દાયકાની આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયાં છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરીકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું. આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરું છું. આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે 40% વધારીને ₹30,325 કરોડ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે. જેના વિકાસને વેગ આપવા માટે ₹2300 કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
₹2300 કરોડની જોગવાઇ ફાળવામાં આવી
વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં જિલ્લા મથકની ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે. તેમજ દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. વડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરનાં સ્થાનને ધ્યાને લઇ તેને “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે. જળ સંચય રાજ્યના શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે અંતર્ગત સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 80:20 ના ધોરણે જનભાગીદારીથી “કેચ ધ રેઇન” અભિયાન હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું આયોજન છે. જે માટે ₹250 કરોડની ફાળવણી કરવામાં આવશે.
400 મીની બસનું આયોજન
રાજ્યના 10 હજારથી વધુ વસ્તી ધરાવતા મોટા ગામો, શહેરી વિકાસ સત્તા મંડળની આસપાસના ગામો તથા તાલુકાના મુખ્ય મથક હોય તેવા ગામોમાં શહેરની સમકક્ષ આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા ₹1000 કરોડની જોગવાઇ સૂચવું છું.સાબરમતી નદી પર અમદાવાદ–ગીફ્ટ સીટી-ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના કામ માટે આ બજેટમાં ₹350 કરોડ ફાળવું છું. અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2નું કામ ડીસેમ્બર-2025માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹2730 કરોડની જોગવાઇ સૂચવું છું. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ ૨૦૬૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે ₹1128 કરોડની જોગવાઇ સૂચવું છું. આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મીડી બસનું આયોજન છે.