Gujarat budget: બજેટની લાલ કલરની પોથીએ જમાવ્યું અનોખું આકર્ષણ

Gujarat budget: ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભા ગૃહ ખાતે વર્ષ 2025-26 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણા મંત્રીના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.નાણા મંત્રીએ ગુજરાતના અંદાજપત્ર (Gujarat budget) ને કોઈ સમાન્ય બેગના સ્થાને ખાસ પ્રકારની આ લાલ પોથીમાં રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. આ ઉપરાંત ભારતના રાજચિન્હ અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે.

વારલી ચિત્રકલાની વિશેષતા
વારલી એ લગભગ 1200 વર્ષ જૂની અને લુપ્ત થઈ રહેલી એક વિશેષ ચિત્રકલા છે. આ ચિત્રકલા મુખ્યત્વે ત્રિકોણ ગોળ અને ચોરસ જેવા જુદા-જુદા ભૌમિતિક આકારની મદદથી બનાવવામાં આવે છે. આ ભૌમિતિક આકારોની મદદથી ચૂલે રસોઈ કરતી સ્ત્રી, કૂવામાંથી પાણી સિંચતી સ્ત્રી કે પાણી ભરતી સ્ત્રી, ઘાસ કે લાકડાનો ભારો ઉચકીને લઈ જતી સ્ત્રી, સુપડાથી ધાન સાફ કરતી સ્ત્રી, લાકડા કાપતો પુરુષ, ખેતરમાં હળ હાંકતો પુરુષ, ગાડુ હાંકતો પુરુષ અને ઢોર ચારતા પુરુષ જેવી રોજ-બરોજની ઘટનાઓને ચિત્રાંકિત કરવામાં આવે છે.આ ઉપરાંત વિવિધ પાલતુ પશુઓ – ગાય, બળદ, કુતરા, બકરા તેમજ અન્ય પ્રાણીઓ સાથે વિવિધ પ્રકારના વૃક્ષો પણ ચીતરવામાં આવે છે. વધુમાં, પંચોલા દેવ, નાગદેવ, સૂર્યદેવ જેવા દેવી-દેવતાઓ ઉપરાંત પ્રસંગોપાત ચિત્રો પણ ચિતરવામાં આવે છે.

આ ભરત કામ બહેનો દ્વારા ભરવામાં આવ્યું છે

કચ્છની પ્રખ્યાત આહિર ભરત કલા કોટનના કપડા ઉપર ઉનથી ભરવામાં આવે છે. આ ભરત ભરતી વખતે ઉપર તથા નીચે એક જ સરખી ભાત પડે છે અને તેની ગાંઠ પણ દેખાતી નથી. મોટાભાગે આ ભરત બહેનો દ્વારા ભરવામાં આવે છે. કચ્છમાં લગભગ 100 થી 150 ઘરોમાં આ ભરત ભરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે ઢોરી, સુમરાસર, કુનરીયા, કોટાય અને ધ્રંગ જેવા વિવિધ ગામોમાં આ ભરતકામ થઈ રહ્યું છે.

Scroll to Top