રતન ટાટાના ઉત્તરાધિકારી કોણ? જવાબ છે ‘નોએલ ટાટા’

9 ઓક્ટોબર 2024, બુધવારના રોજ રાત્રે એક તરફ ખેલૈયાઓ ગરબા રમવામાં મશગુલ હતા. તે વચ્ચે 11:30 વાગ્યાની આસપાસ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલથી એવા સમાચાર સામે આવ્યા કે જેને સાંભળીને સમગ્ર દેશ શોકમય બની ગયો. એ સમાચાર હતા ટાટા સન્સના ચેરમેન એમરિટિસ રતન ટાટાના અવસાનના. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. 86 વર્ષની ઉંમરે રતન ટાટાના નિધનના સમાચાર સામે આવતા જ ઠેર ઠેર ચાલી રહેલા ગરબા મહોત્સવમાં બ્રેક લઇ મૌન પાળવામાં આવ્યું હતું. બિઝનેસ વર્લ્ડ, રાજકારણ, રમત-ગમત જગતની ઘણી મોટી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એટલું જ નહીં, સમગ્ર દેશભરમાં ઠેર ઠેર પણ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. હવે તમે વિચારો કે, જેના નામની ચર્ચા આટલી હોય તો તેમના ઉત્તરાધિકારીની પણ ચર્ચા તો હોવાની જ.

 

નોએલ ટાટા બન્યા નવા ચેરમેન

રતન ટાટાના ઉત્તરાધિકારીની જો વાત કરીએ તો તેમનું નામ જાહેર થઇ ગયું છે. મુંબઈમાં યોજાયેલી ટાટા ટ્રસ્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા હવે ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનશે. નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નોએલ ટાટાએ કયો અભ્યાસ કર્યો છે?

નોએલ ટાટાના શિક્ષણની જો વાત કરીએ તો તેમને યુકેની સસેક્સ યુનિવર્સિટી અને INSEADમાં ઈન્ટરનેશનલ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે. નોએલ ટાટાને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના છઠ્ઠાં ચેરમેન તરીકે નિમાયા છે. તેઓ તેમના દૂરદર્શી વિઝનના કારણે ઓળખાય છે.

Scroll to Top