વર્ષ 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થઇ ચૂકી છે. જેમાં જાપાને બાજી મારી છે. પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ લડત આપતી નિહોન હિડાંક્યોને આ વર્ષે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સંસ્થાનો મૂળ હેતુ વિશ્વને પરમાણુ શસ્ત્રોથી મુક્ત બનાવવાનો છે. આ એજ સંસ્થા છે કે જેણે હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકો માટે લડાઈ લડી છે. તમને જણાવી દઈએ કે, નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની સંસદ દ્વારા પસંદ કરાયેલી 5 સભ્યોની સમિતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. આ સમિતિએ વર્ષ 2024ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ 286 અરજી મેળવી હતી. જેમાંથી 89 સંસ્થાઓ છે. વર્ષ 2023માં ઈરાની પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેઓ ઇરાનમાં પ્રતિબંધિત સંસ્થા, માનવ અધિકાર કેન્દ્રના ડિફેન્ડર્સના ડેપ્યુટી ડિરેક્ટર તરીકેના તેમના કામ માટે વધુ જાણીતા છે.
વિશ્વના એક માત્ર વ્યક્તિ કે જેમણે મેળવ્યા બે નોબેલ પ્રાઈઝ
લિનસ પાઉલિંગ વિશ્વના એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમણે બે નોબેલ પ્રાઈઝ મેળવ્યા છે. એક રસાયણ શાસ્ત્ર માટે જ્યારે બીજો પુરસ્કાર શાંતિ માટે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકાના પોર્ટલેન્ડમાં જન્મેલા લિનસ પાઉલિંગે રાસાયણિક બોન્ડને સમજવા અને તેનું વર્ણન કરા માટે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કર્યો હતો. બાદમાં તેમણે પરમાણુ શસ્ત્રો સામે જોરશોરથી ઝુંબેશ ચલાવી અને પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવાની અરજી પણ દાખલ કરી હતી.
કોણ છે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા પ્રથમ આફ્રિકન મહિલા વાંગારી માથાઈ?
વાંગારી માથાઈ કેન્યાના પ્રથમ મહિલા પ્રોફેસર અને નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ આફ્રિકન મહિલા હતા. તેમણે ગ્રીન બેલ્ટ મૂવમેન્ટની સ્થાપના કરી હતી. જેના કારણે લાખો વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આ સિવાય વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઈને પણ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર 1901માં સ્વિટ્ઝર્લેન્ડના હેનરી ડ્યુનાન્ટ અને ફ્રાન્સના ફ્રેડરિક પાસીને આપવામાં આવ્યો હતો.