Patidar Samaj: સુરતમાં મહિલા PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા દારૂના વ્યસન અંગે કરેલા ટિપ્પણી બાદ સમાજમાં ખુબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ નિવેદન બાદ પટેલ સમાજ (Patidar Samaj) ના આગેવાનોએ પોતાના મત રજૂ કર્યા હતા.પાટીદારના ઘણા નેતાઓએ આ નિવેદનની ટીકા કરી હતી.હવે ભાજપના આગેવાન પાટીદાર નેતા ગોરધન ઝડફિયા (Gordhan Zadfia) પણ મેદાનમાં આવ્યા છે.
ઘરમાં પીળું પાણી રાખતા નહી
ગોરધન ઝડફિયા (Gordhan Zadfia) એ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્રમાં જાહેરમાં આ મુદ્દે ભારપૂર્વક વાત કરી હતી.તેમણે યુવાનોને પીળું પાણી છોડી દેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. સમાજમાં પરિવર્તન લાવવું જરૂરી છે. જો નેતાઓ પરિવર્તન ન લાવી શકે તો તેમણે હોદ્દો પર રહેવાનો કોઈ અધિકાર નથી. ઝડફિયાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી. તેમણે સમાજને વાડી કે ભવન બનાવવાને બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું.
શું કહ્યું હતું PSI મહિલાએ
થોડા દિવસ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં યુવાનોમાં દારૂના વ્યસન અને સાયબર ક્રાઈમના વધતા જતા વલણ પર ચિંતા વ્યયકત કરી હતી. તેમણે કર્યક્રમમાં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલા 15 યુવાનોમાંથી 10 પટેલ સમાજના હોય છે.જે ખુબ જ દુ:ખદ અને વિચારવા જેવું છે. મેંદપરાએ સમાજના આગેવાનોને આ બાબતે ગંભીરતાથી વિચારવા અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી હતી.