Gujarat News: રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (bhupendr patel)ના હસ્તે તા.24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે તા.24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન સોમનાથ (somnath) ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે યોજાશે
સોમનાથ મહાદેવ શૈવ આગમની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ જ્યાં સંગીત અને નૃત્ય ફક્ત કલા સ્વરૂપો નથી પરંતુ પૂજાનું માધ્યમ છે – દિવ્ય અને નશ્વર વચ્ચેનો સેતુ છે. શૈવ ધર્મમાં, શિવ એક વૈશ્વિક નૃત્ય એવા નટરાજ છે, જેમનું તાંડવ નૃત્ય લય અને બ્રહ્માંડને આકાર આપે છે. તેમના હાથમાં રહેલ ડમરુ, જે સ્વરો (સંગીતના સૂરો)ને જન્મ આપે છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીતનો આધાર માનવામાં આવે છે.
ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન
સોમનાથ (somnath) જ્યોતિર્લિંગ એ શિવ ભક્તિ ઉપરાંત નાટ્ય (નૃત્ય) અને ગાન (સંગીત)નું પણ કેન્દ્ર રહ્યું છે.જ્યાં કલાત્મક અભિવ્યક્તિ દ્વારા આધ્યાત્મિક અનુભવને ઉન્નત કરવામાં આવે છે. મંદિરનો નાટ્ય મંડપ આ લાંબા સમયથી ચાલી રહેલ પરંપરાનો સાક્ષી છે.
સન્માનિત ભારતીય કલાકારો દ્વારા યોજાશે
રાજ્યના પ્રવાસન વિભાગ તથા ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, વડોદરા દ્વારા આયોજિત આ સમગ્ર મહોત્સવ દરમિયાન સન્માનિત ખ્યાતનામ કલાકારો દ્વારા ત્રણ દિવસ અને રાત્રિ દરમિયાન મહાશિવરાત્રીની પાવન ઘડીએ વિશેષ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અહી “વાદ્યમ્-નાદસ્ય યાત્રા” પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં “સેક્રેડ સાઉન્ડ: નાદ, વાંદ્યો અને તેમની કથાઓ” સંગીત, આધ્યાત્મિકતા તેમજ કલા અભિવ્યક્તિ વચ્ચેનો અનોખો સંબંધ ઉજાગર કરાશે. તદઉપરાંત સંગીત વાંદ્યોની વિકાસયાત્રા, દિવ્ય કથાઓ સાથેની તેમની જોડાણતા અને શિલ્પ-દૃશ્યકળામાં તેમની રજૂઆત આ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેશે.