Gujarat News: આ રોગ નિર્મૂલન માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

Gujarat News:સ્વસ્થ નાગરિક- સ્વસ્થ દેશનું નિર્માણ કરે છે. જ્યારે ગુજરાત ટી.બી., પોલીયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. તેવી જ રીતે ફાઈલેરિયા એટલે કે, હાથીપગા રોગને નાબૂદ કરવા આગામી તા.10 થી 12 ફેબ્રુઆરી 2025 દરમિયાન માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે.

સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે

હાથીપગા રોગ મુક્ત ગુજરાતનું નિર્માણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2027 સુધીનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં કેન્દ્રનાઆ લક્ષ્યાંકને હાંસલ કરવા ગુજરાત અગ્રેસર રાજ્ય રહેશે.

2027 સુધીનો લક્ષ્યાંક નક્કી કરાયો

આ અભિયાન ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં, નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડીયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વધઈ એમ ચાર તાલુકામાં યોજાશે.જેમાં અંદાજે 5.46 લાખથી વધુ નાગરકોને હાથીપગા રોગના કૃમિનો વ્યક્તિના શરીરમાંથી નાશ કરવા માટેની દવા (ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ) આરોગ્ય કાર્યકર/ દવા વિતરક ધ્વારા રૂબરૂમાં ગળાવવામાં આવશે. આ અભિયાનમાં બાકી રહી ગયેલા નાગરિકોને આરોગ્ય કાર્યકર/ દવા વિતરક દ્વારા તા. 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ફરીથી ઘરની રૂબરૂ મુલાકાત લઈ આ દવા ગળાવવામાં આવશે.

શું છે હાથીપગાનો રોગ

હાથીપગો (ફાઇલેરીયા)એ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ કૃમિથી થતો રોગ છે. જે સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ ચેપી મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગમાં ચેપ લાગ્યાના શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ 6થી 8 વર્ષ બાદ આ રોગના લક્ષણો જેમ કે, લસિકા ગ્રંથીઓ, લસિકા વાહિનીઓ ફૂલી જવાથી હાથ-પગમાં સોજો આવવો, અથવા પુરૂષોમાં હાઈડ્રોસીલ (વધરાવળ) જોવા મળે છે.આ રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 8થી 12ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવામાં આવે છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં આ રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપીને ચેપ ફેલાતો અટકાવી શકાય છે.

 

 

Scroll to Top