Gujarat News: રાજ્ય સરકારે સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ તરિકે જાહેર કરવામાં આવ્યું છે.આ ઈકો વિલેજએ કુદરતી, જૈવિક, નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનો આર્થિક, સામાજિક વિકાસ કરવાની વનવિભાગની પહેલ તરીકે જોવામાં આવે છે.
ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ
ધજ ગામ ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ જાહેર થતા નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું હતું કે 2016માં ધજ ગામ ઈકો વિલેજ જાહેર થયા બાદ પર્યાવરણની જાળવણી માટે બાયોગેસ, ભૂગર્ભ જળ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સૌર ઊર્જા સંચાલિત સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગામના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત્ત બને એવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. હાલ GEC (ગુજરાત ઈકોલોજીકલ કમિશન)નું વન વિભાગ સાથે મર્જર થયું છે.આગામી સમયમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે વિકસાવવામાં આવશે.
ઈકો વિલેજ શું છે?
ઈકો વિલેજ એ કુદરતી, જૈવિક, નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનો આર્થિક, સામાજિક વિકાસ કરવાની પહેલ છે. ગ્રામજનોની કુદરતી સંસાધનો પરથી નિર્ભરતા ઘટાડી તેમજ તેની જાળવણી દ્વારા ગામ, અને ગ્રામજનોને આર્થિક રીતે સદ્ધર કરી સંતુલિત વિકાસ સાધવો તથા ગ્રામ્ય સ્તરના આજીવિકાના સ્ત્રોતનું પુનઃ સ્થાપન-પુનઃજીવન કરવાનો હેતુ છે. જમીનને અનુકૂળ અને ઓછા પાણીની સિંચાઈથી થતો પાક, હાઈબ્રીડ જાત અને સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, સાથોસાથ ખેતીમાં ટપક પદ્ધતિથી સિંચાઈ, ઈકો પેસ્ટીસાઈડના ઉપયોગથી પર્યાવરણને અનુકૂળ એવી સજીવ ખેતીને પ્રોત્સાહન, ઘર અને ગામમાં ઉર્જાના સ્ત્રોત માટે બાયોગેસ, ગોબરગેસ, સૌર ઉર્જા તેમજ એલઈડીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા.
દેશના મોડેલ ઈકો વિલેજ
ભારતના મધ્યપ્રદેશનું ભગુવાર, તમિલનાડુનું ઓરોવિલે અને ઓડનથુરાઈ, નાગાલેન્ડનું ખોનોમા, રાજસ્થાનના પીપલાન્ત્રી અને આરનાઝારના, મહારાષ્ટ્રના ગોવર્ધન અને હિવારે બજાર, ઓડિશાનું સિદ્ધાર્થ, જમ્મુ કશ્મીરનું સાગ, ગુજરાતનું ધજ ગામ મોડેલ ઈકો વિલેજ છે.