Dahod News: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. અર્ધનગ્ન હાલતમાં મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. હાલ તો આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.આ પરણિત મહિલા તેના પ્રેમીના મળવા ગઈ હતી. આ દરમિયાન ગામના લોકોએ તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢી તેનુ સરઘસ કાઢ્યું હતું.આ સમગ્ર ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ આ દુઃખદ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.
વસાવાએ સરાકર સામે કરી આ માંગ
દાહોદ (Dahod) ની ઘટનામાં ચૈતર વસાવા (Chaitar Vasava) એ કહ્યું સંજેલી તાલુકામાં એક મહિલાને 15 જેટલા શખ્સોએ ઘરમાંથી કાઢી ગાડી પાછળ સાંકળથી બાંધી આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું હતું.આ દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. એક ગામમાં વડીલો અને મહિલાઓ પણ હશે તો પણ આટલું નિર્લજ્જ કામ કરનાર વ્યક્તિને કોઈએ રોક્યો કેમ નહીં? તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાળે ગઈ છે. સરકાર મહિલા સલામતીની માત્ર વાતો જ કરે છે. આપણા દેશમાં આજની તારીખમાં પણ આવી તાલીબાની સજાઓની આપણી બહેન દીકરીઓ ભોગ બને છે. સરકાર સમક્ષ અમારી માંગ છે કે આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એ તમામ જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આ તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે.
15 વ્યક્તિએ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. દાહોદ પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી 15 વ્યક્તિએ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.મહિલા પર અત્યાચાર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર ત્રણ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.