Steve Smith: ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ શ્રીલંકાના ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સ્ટીવ સ્મિથે (Steve Smith) શાનદાર સદી ફટકારી હતી.સ્મિથે આ સદી બાદ સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા.
લારા અને ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો
આ મેચમાં કેપ્ટન સ્ટીવ સ્મિથે (Steve Smith) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડ ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સ્ટીવ સ્મિથે (Steve Smith) ચોથા નંબર પર રમતા કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 179 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 35મી સદી છે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સુનીલ ગાવસ્કર અને બ્રાયન લારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. શ્રીલંકાના મહેલા જયવર્દને, વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા, ભારતના સુનીલ ગાવસ્કર અને પાકિસ્તાનના યુનિસ ખાને ટેસ્ટમાં 34-34 સદી ફટકારી છે. પરંતુ સ્ટીવ સ્મિથ (Steve Smith) હવે આ તમામ મહાન ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે. આ ઇનિંગ દરમિયાન તેણે ટેસ્ટમાં પોતાના 10000 રન પણ પૂરા કર્યા. આવું કરનાર તે માત્ર ચોથો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે.
2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
શ્રીલંકામાં સ્ટીવ સ્મિથ (Steve Smith) ની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે 2022માં 145 રન અને 2016માં 119 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રીલંકામાં 3 સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 47 સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ચોથા ક્રમે આવી ગયો છે. હવે તેનાથી આગળ માત્ર રોહિત શર્મા (48 સદી), જો રૂટ (52 સદી) અને વિરાટ કોહલી (81 સદી) છે.