America News: અમેરિકાની કમાન સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક પછી એક એવી જાહેરાતો કરી, જેનાથી ભારતની ચિંતા વધી ગઈ. બીજી તરફ ચીન પ્રત્યે તેમનું વલણ ઘણું નરમ જણાય છે. ગુરુવારે (23 જાન્યુઆરી, 2025) એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ ચીન પર ટેરિફ લાદવા ઈચ્છુક નથી. તેમણે સૂચવ્યું કે આ રીતે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના વેપાર યુદ્ધને ટાળી શકાય છે. જોકે, તેઓ લાંબા સમયથી ચીન પર ભારે ટેરિફ લાદવાની વાત કરી રહ્યા છે.
ચીન પર ટેરિફ લાદવામાં નહીં આવે
એક ચેનલને ઈન્ટરવ્યુ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે ચીન માટે અમારી પાસે સૌથી મોટી શક્તિ છે.પરંતુ તેઓ (ચીન) તે નથી ઈચ્છતા અને હું પણ તેનો ઉપયોગ કરવા નથી ઈચ્છતો.પરંતુ ચીન માટે અમારી પાસે આ જબરદસ્ત શક્તિ છે. ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈન્ટરવ્યુ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના સારા મિત્ર છે અને તેમની સાથેની તાજેતરની વાતચીત પણ સારી રહી હતી.
બ્રિક્સ દેશોમાંથી આવતા સામાન પર 100% ટેરિફ લાદશે
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતાની સાથે જ ચેતવણી આપી હતી કે તેઓ ભારત સહિત તમામ બ્રિક્સ દેશોમાંથી આવતા સામાન પર 100% ટેરિફ લાદશે. જો કે તેમણે કહ્યું છે કે તેઓ ચીન પર ટેરિફ લાદશે નહીં, પરંતુ અત્યાર સુધી બ્રિક્સ દેશો પર તેમના તરફથી આવું કોઈ નિવેદન આવ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી છે, જેમાં ભારતીયો પણ સામેલ છે. ગયા મહિને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) એ 15 લાખ લોકોની યાદી બનાવી હતી જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. જેમાંથી 18 હજાર લોકો ભારતીય છે. ટ્રમ્પ પ્રશાસનના કડક વલણને જોતા ભારત સરકાર આ ભારતીયોને પરત લાવવાની યોજના બનાવી રહી છે.