Gopal Italia: ગોપાલ ઈટાળીયાએ સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ અંગે ફેસબુક પર લાંબી પોસ્ટ લખી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, લવજીભાઈ બાદશાહ જગજાહેર ભાજપના અને મોદી સાહેબના સમર્થક છે. તેઓ અનેક વખત મોદી અને પાટીલની આગળપાછળ ફરીને ભાજપના માણસોની સેવા પણ કરે છે. લવજી બાદશાહના પરિવારના સુરતમાં લગ્ન થયા હતા. જેમાં લગ્ન પૂરા થયા પછી ભાજપની એક ટોળકી દ્વારા લવજીભાઈ બાદશાહને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા.
ગોપલ ઈટાળીયા ભાજપ પર આક્ષેપ કર્યા
ગોપાલ ઈટાળીયા (Gopal Italia) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, લવજી બાદશાહ ભાજપમાં હોવા છતાં ક્યારેય ભાજપના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધન કરતા હોય એવું મારા ધ્યાનમાં આવેલ નથી. ટૂંકમાં ભાજપમાં હોવા છતાંય તેઓએ રાજકીય નિવેદન કર્યા હોય, સમાજને ભાજપ તરફી મતદાન કરવાની જાહેર અપીલ કરી હોય, ભાજપનો બચાવ કરવા માટે થઈને સમાજની વિરુદ્ધમાં નિવેદન કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. લવજી બાદશાહ વાણીવિલાસ કરતા નથી એટલે એક બિનવિવાદાસ્પદ વ્યક્તિ છે.તેમણે લવજીભાઈ બાદશાહે મૂંગા મોઢે દરેક સમાજની સેવા કરી છે એમાં કોઈ બે મત નથી. વિધવા બહેનો માટે, બીમાર દર્દી માટે, ભણતર માટે, ગરીબ દીકરી માટે તેઓ હંમેશા મદદ કરતા આવ્યા છે. હોસ્પિટલ બનાવવાની હોય કે શાળા હોય કે હોસ્ટેલ હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય એટલે લવજીભાઈનો ફાળો હોય હોય અને હોય જ. પરંતુ લગ્ન પૂરા થયા પછી ભાજપની એક ટોળકી દ્વારા લવજીભાઈ બાદશાહને બ્લેકમેઈલ કરવામાં આવતા હોય એવું જોવામાં આવી રહ્યું છે.
લવજી બાદશાહને ટાર્ગેટ કરી રહ્યા છે
ભાજપમાં વર્ષો સુધી કરોડો રૂપિયા વાપર્યા પછી પણ જો લવજી બાદશાહના ઘરે લગ્ન જેવા પવિત્ર પ્રસંગને ભાજપની ટોળકી જોઈ ન શકતી હોય, ભાજપના જ લોકોને ઈર્ષ્યા આવતી હોય તો ગુજરાતના અને સુરતના ઉદ્યોગપતિઓએ સમજવાની જરૂર છે.લવજીભાઈ તો ઉદ્યોગપતિ છે એટલે તેની પાસે કરોડો રૂપિયા હોય એના નવાઈ નથી પરંતુ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોઈ મોટા ઉદ્યોગપતિ ન હોવા છતાંય ચાર્ટર પ્લેનમાં ફરે છે, આલીશાન બંગલામાં રહે છે ત્યારે ભાજપના લોકો કેમ હાઈકોર્ટમાં PIL નથી કરતા? ટૂંકમાં સુરતની અને વરાછાની જનતાને બાદશાહના લગ્ન બાબતે કે, લગ્નના ખર્ચ બાબતે, કે લગ્નના ઉત્સવ બાબતે કોઈ વાંધો કે વિરોધ નથી છતાંય ભાજપના સમર્થનથી કેટલાક લોકો લવજી બાદશાહને ટાર્ગેટ કરી રહ્યા છે એ ઉપર સુરતના ઉદ્યોગપતિઓએ અંદરખાને આંખ ઉઘાડવાની જરૂર છે.