Hmpv Virus: ગુજરાતમાં HMPV (હ્યુમન મેટાપન્યુમોવાયરસ)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. સાબરકાંઠા જિલ્લામાં 8 વર્ષના બાળકમાં HMPVનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં HMPVના કુલ કેસની સંખ્યા 3 પર પહોંચી ગઈ છે.
બાળક ICUમાં સારવાર હેઠળ
સાબરકાંઠા (SABARKATHA) જિલ્લાના હિંમતનગર શહેરમાં 8 વર્ષના બાળકમાં HMPVના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક હિંમતનગર (Hematnagar) ની એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બાળક ICUમાં સારવાર હેઠળ છે.
બાળક પ્રાંતિજ તાલુકાના એક ખેતમજૂર પરિવારનું છે
બાળકના લોહીના નમૂના ખાનગી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી. ત્યારબાદ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યા બાદ પણ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તેની પુષ્ટિ કરી છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ખેતમજૂર પરિવારનું છે.
પ્રથમ કેસ 6 જાન્યુઆરીના રોજ નોંધાયો હતો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ 6 જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. ત્યારબાદ 10 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે વૃદ્ધ દર્દીનો કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી. તેઓ અસ્થમાથી પણ પીડિત હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.