ગુજરાતમાં ‘ખાડારાજ’: અમિત ચાવડાનો સરકાર પર કટાક્ષ, ભ્રષ્ટાચાર સામે મુખ્યમંત્રીની નિષ્ક્રિયતા પર સવાલ
ગાંધીનગર: આજે વિધાનસભા ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કટાક્ષ કરતા ‘ગુજરાતમાં ખાડારાજ’ની પરિસ્થિતિ અંગે ચિંતાઓ વ્યક્ત કરી.
તેમણે સરકારને ટકોરતા કહ્યું કે, “ભાજપના ભ્રષ્ટાચારી શાસનને કારણે ‘ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત’ની પરિસ્થિતિ સર્જાઈ છે.”
અગાઉ તેમણે આક્ષેપ કર્યો કે, “કમલમના કમિશનને કારણે રસ્તાઓના ખાડાઓથી લોકોની કમર તૂટે છે,” અને ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન ખાડાઓના કારણે થયેલા અકસ્માતોમાં ૫૦૦ લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો.
શ્રી ચાવડાએ આંકડાઓનો હવાલો આપીને જણાવ્યું કે, ગુજરાતીઓએ માત્ર એક વર્ષમાં ૪૮૦૦ કરોડનો ટોલ ટેક્ષ ચૂકવ્યો છે, પરંતુ માર્ગોની હાલત એટલી નબળી છે કે ખાડાઓએ લોકોને મકાનમાં અને ખિસ્સામાં પણ અસર પહોંચાડી છે.
વધુમાં, તેમણે સરકારને આક્ષેપો કર્યા કે, “ગામથી લઈને ગાંધીનગર સુધીના ભ્રષ્ટાચારને કારણે ખાડારાજની સ્થિતિ આવી છે,” અને આ અંગે ચુસ્ત પગલાં લેવાની માંગણી કરી.
“માર્ગ અને મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને મુખ્યમંત્રીના હસ્તક છે, ત્યારે ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?” તેવો સવાલ ઊભો કર્યો.
તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતા ટેક્સ ભરી રહી છે, પરંતુ ટેક્સના પૈસાની બરબાદી અને ભ્રષ્ટાચાર સામે યોગ્ય પગલાં ન લેવાથી આ પરિસ્થિતિ થઈ છે. “મુખ્યમંત્રીશ્રી પાસે આ વિભાગો છે, તો તેઓએ આ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ,” એમ ચાવડાએ કટાક્ષ કર્યો.