BPSC paper leak: બિહાર લોક સેવા આયોગની પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયા બાદ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ ઘટનાના કારણે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે તણાવ વધી ગયો છે. 13 ડિસેમ્બરે યોજાનાર પ્રારંભિક પરીક્ષા વખતે પેપર લીકના અહેવાલો બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરવા મજબૂર થયા હતા. પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની અને ફરી પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે (25 ડિસેમ્બર) પટણામાં પોલીસે BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ મામલાને રાહુલ ગાંધીએ ગંભીરતાથી લીધી છે અને તેમણે બિહાર (bihar) ના મુખ્યમંત્રી નીતિશ કુમાર (nitesh kumar) ની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
પોલીસે અમારા પર લાઠીચાર્જ કર્યો
પેપર લીક થવા મામલે વિદ્યાર્થીઓએ બીપીએસસી (bpsc) ઓફિસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો વાયરલ થયા છે. પોલીસે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં મહિલા દેખાવકારો પર પણ કડકાઈથી કાર્યવાહી કરી હતી. દેખાવકારોએ આક્ષેપ કર્યો છે કે, તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરાયો. અમે અમારી માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ. પોલીસ કોઈપણ માહિતી વગર આવી અને અમારા પર લાઠીચાર્જ કર્યો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા
બિહારમાં પેપર લીક બાદ આંદોલન અને લાઠીચાર્જની ઘટનાથી રાજકારણ ગરમાયું છે. વિપક્ષોને નીતિશ સરકાર પર આક્ષેપો કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (rahul gandhi) એ કહ્યું કે, મેં સંસદમાં કહ્યું હતું કે, જે રીતે એકલવ્યનો અંગૂઠો કાપડવામાં આવ્યો હતો, તેવી રીતે પેપર લીક કરાવી યુવાઓનો અંગૂઠો કાપવામાં આવી રહ્યો છે. તેમણે નીતિશ સરકાર પર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા કરવાનો આક્ષેપ કર્યો છે.