ગુજરાત કિસાન કોંગ્રેસ (Congress) ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીના પત્રમાં ઉલ્લેખ કર્યો કે પાંચ સો સાત કરોડ સામે પાંચ સો નવ્વાણું કરોડ રૂપિયા ટોલટેક્ષ વસૂલાત કરવામાં આવી છે. આમ આ નવે નવ હાઈવે બનાવવાનો કુલ ખર્ચ અગિયાર હજાર એકસઠ કરોડ રૂપિયા ખર્ચ સામે ઓગણીસ હજાર ચાર સો પંચાસી કરોડ રૂપિયા ટોલટેક્ષના નામે વસુલ કરવામાં આવ્યા છે. આ નવે નવ ટોલટેક્ષ ધીકતો ધંધો કરી રહયા છે.અત્યાર સુધીમાં જેટલું રોકાણ હતું તેનાથી અમુક ટોલટેક્ષ ત્રણ ચાર ગણું વળતર મેળવી ચુક્યા છે. હજુ વર્ષો સુધી આ જ રીતે કમાણી કરતા રહેશે ત્યારે સવાલ એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર રોડ રસ્તા નાગરિકોની સુવિધા માટે બનાવે છે કે ધંધા માટે ?
ટોલટેક્ષમાંથી થતી કમાણીમાં ખેડૂતોને હિસ્સો આપવાની માંગ કરી
સરકાર ખુદ જ્યારે રોડ રસ્તા હાઇવેના નામે ધીકતો ધંધો કરે છે. આ રોડના પાયામાં જેની જમીન છે તેવા ખેડૂતોએ શા માટે ભોગવવાનું ?? સરકારને નમ્ર અનુરોધ છે કે જ્યાં જ્યાં સરકાર, ખાનગી કંપનીઓ કરાર આધારિત કે વપરાસી હક્કના નામે કે સંપાદન કરી ખેતીની જમીનનો રોડ બનાવવા, પાઇપ લાઇન કાઢવા, કેબલ પસાર કરવા, વીજ લાઇન પસાર કરવા કે વીજ ઉત્પાદન કરવા ખેડૂતોની જમીનનો જ્યાં જ્યાં ઉપયોગ કરી ધીકતો ધંધો કરવામાં આવે છે તેવા દરેક કિસ્સામાં ખેડૂતોને જે તે ધંધાના નફામાંથી હિસ્સેદારી અથવા માસિક ભાડું આપવું જોઈએ. સરકાર ખુદ જ્યારે ધંધો કરે છે ત્યારે આ ધંધામાંથી ખેડૂતોને પણ તેની હિસ્સેદારી મળવી જોઈએ.
પાલ આંબલિયાએ સરકારને ખેડૂતો વતી ગુજરાત કિસાન કોંગ્રેસ (Congress) ના કેટલાક સવાલ મુખ્યમંત્રી સમક્ષ મૂક્યા હતા
1) દરેક રોડ બનાવવામાં આવે ત્યારે ખેડૂતોની ફળદ્રુપ ખેતી લાયક જમીન સંપાદન કરવામાં આવે છે આ જમીન સંપાદન કરતી વખતે સરકાર એમ કહે છે કે આ તો રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે તેમાં અવરોધરૂપ ન થવાય રાષ્ટ્ર નિર્માણના નામે સરકાર ખેડૂતો પાસેથી જંત્રી ભાવે જમીન પચાવી પાડે છે અને ત્યાર બાદ તેના પર પોતાની માનીતી કંપનીઓને “ટોલટેક્ષ” નામની દુકાન ખોલવાની મંજૂરી આપે છે અને આ કંપનીઓ કેટલા કમાય છે તે ઉપરના ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે
2) જ્યારે સરકાર પોતે હાઇવે બનાવી તેના પર પોતાની માનીતી કંપનીઓ પાસે ટોલટેક્ષ નામની દુકાન ખોલાવી કરોડ અબજો રૂપિયા કમાય છે તો તેમાં ખેડૂતોની જમીન જંત્રી ભાવે શા માટે લેવામાં આવે છે ??? 2013 ના UPA સરકારના જમીન સંપદનના કાયદા મુજબ 80% ખેડૂતોની સહમતી અને બજાર ભાવના ચાર ગણા વળતરની જોગવાઈ છે તેનું પાલન શા માટે કરવામાં નથી આવતું ??
3) જ્યારે સરકાર રોડ પર ટોલટેક્ષ દ્વારા ધીકતો ધંધો કરે છે તો તેમાં જમીન આપનાર દરેક ખેડૂતને ટોલટેક્ષ દ્વારા થતી કમાણીનો અમુક હિસ્સો ભાગે પડતો શા માટે વહેંચવામાં નથી આવતો ?? જ્યારે રોડ જ ખેડૂતના ખેતર પર બન્યા છે તો ટોલટેક્ષની કમાણીનો અમુક હિસ્સો રોડ માટે જમીન આપનાર ખેડૂતોને આપવો જોઈએ તેવી અમારી માંગ છે
4) જે રોડ બનાવવા જે ખેડૂતનું ખેતર જમીન સંપાદનમાં ગયું હોય એ જ ખેડૂત પોતાની કાર લઈને કે પોતાના ખેતરની ખેત પેદાશનો ભરેલો ટ્રક લઈને નીકળે તો એ જ ખેડૂતે ટોલટેક્ષ ચૂકવવો પડે છે આવું શા માટે ?? ખેડૂતે પહેલા પોતાની મહામૂલી જમીન તો આપી તો આવા તમામ ખેડૂતોને અને તેના પરિવારને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવી જોઈએ
5) રાજ્ય / કેન્દ્ર સરકાર ખેડૂતોને જો ટોલટેક્ષના ધિકતા ધંધામાંથી હિસ્સેદારી ન આપે તો જે ખેડૂતની જેટલા ચોરસ મીટર જમીન સંપાદન થઈ હોય તે ખેડૂતોને ચોરસ મીટર પ્રમાણે કિંમત નક્કી કરી માસિક ભાડું આપવું જોઈએ જેથી જેટલા વર્ષ ટોલટેક્ષ દ્વારા કમાણી થાય એટલા વર્ષ ખેડૂતોને નિયત ભાડું મળતું રહે