– યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ
– નુકશાનીના આંકડા બદલી નાખવામાં આવ્યા
– જિલ્લા ખેતીવાડી અધિકારીને આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું
ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડુતોનો પાક નિષ્ફળ ગયો હતો. સરકારે ખેડુતોને પાક નુકસાન વળતર આપ્યું ન હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના અગ્રણી નેતાઓએ સુરેન્દ્રનગરનાં જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પત્રમાં અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કરવામાં આવેલ સર્વેમાં થયેલી ગોલમાલ ઉજાગર કરવામાં આવી હતી. આ ઉપરાંત આઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સમાજના અગ્રણીઓએ પાક નુકસાનીનું વળતર મુદ્દે મોટી રેલી યોજી હતી.રાજ્ય સરકારે ગ્રાન્ટ નહિ હોવાના કારણે અતિવૃષ્ટિમાં નુકસાન ભોગવનાર ખેડૂતોને ઓછું વળતર ચૂકવ્યું અને કેન્દ્ર સરકાર પાસેથી વધારે રકમની માંગણી કરી નથી. આ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારને ખેડૂતોની ચિંતા નથી અને રાજ્ય સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.
મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા
રાજ્યના ખેડુતોને પાક નુકશાનીનું વળતર પણ મળ્યું નથી. ત્યારે રવી પાકનો સમય હોવાથી DAP ખાતર પણ મળતું નથી. તેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતો હાલ ખૂબ જ આક્રોશમાં છે. આ ઉપરાંત સર્વેમાં થયેલા ગોલમાલ મુદ્દે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને આઠ દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.