આગામી 7 ડિસેમ્બર વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. પ્રમુખસ્વામી મહારાજે 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું. 2022માં 50 વર્ષ પૂર્ણ થયા હતા, પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાના કારણે આ કાર્યક્રમ 2024માં યોજાઈ રહ્યો છે.
1 લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન થયું
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.એસ.ના સાંળાગપુર, રાયસણ અને શાહીબાગમાં છેલ્લાં બે મહિનાથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી.
કાર્યકરો BAPSની કરોડરજ્જુ સમાન
આ અંગે માહિતી આપતા બીએપીએસના બ્રહ્યવિહારી સ્વામીએ માહિતી આપતાં જણાવ્યું કે, કાર્યકરો બીએપીએસની કરોડરજ્જુ સમાન છે. ત્યારે તેમનું અભિવાદન કરશે. બીએપીએસ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં એક લાખ જેટલા રજિસ્ટર્ડ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કાર્યકરોએ માત્ર બીએસપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહી પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે. જેથી તેમનું સન્માન કરવાનો આ અવસર છે. આ ઉજવણી આધુનિક ટેકનોલોજીની મદદથી થશે. જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક અપાઈ છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરાશે.
BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન માટે 15 હજાર સ્વંયસેવકોની ટીમ સતત કામ કરી રહી છે. જેમાં સ્ટેડિયમને ચોખ્ખું રાખવામાં ઓછામાં ઓછું પાણી વપરાય તેનું પણ ધ્યાન રખાયું છે. આ માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જેથી કુલ પાણીની સામે પાંચ ટકા પાણીનો ઉપયોગ કરીને સ્ટેડિયમની એક લાખ જેટલી બેઠક સ્વચ્છ કરી દેવાઈ.