સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ મડાગાંઠ હવે સમાપ્ત થવાના આરે છે. સોમવારે મળેલી સર્વપક્ષીય બેઠક બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ગૃહ ચલાવવા અંગે સહમતિ સધાઈ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર બંધારણ પર ચર્ચા કરવા માટે રાજી પણ થઈ ગઈ છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મંગળવારથી સંસદ કામ કરશે. તેમણે કહ્યું કે 13 અને 14 ડિસેમ્બરે લોકસભામાં બંધારણ પર ચર્ચા થશે. આ વિષય પર 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ કહ્યું કે બંધારણ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ જેથી નવી પેઢીને તેના વિશે જાણવાની તક મળી શકે.
16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે
કોંગ્રેસે સોમવારે સવારે જ કહ્યું હતું કે વિપક્ષી દળો સંસદના બંને ગૃહોની કાર્યવાહી ચાલુ રાખવા માટે તૈયાર છે. પરંતુ આ માટે બંધારણ પર ચર્ચા થાય તે ખુબ જરૂરી છે. કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે સરકારે બંધારણ પર ચર્ચા કરવાનું વચન આપ્યું હતું અને હવે તે કરવું જોઈએ. આ ઉપરાત તેમણે કહ્યું કે સરકાર જો વચનનું પાલન કરશે તો વિપક્ષી પાર્ટી એક થઈને ગૃહમાં કામ કરશું.
સંસદના બંને ગૃહોની કાર્યવાહી ચાલુ રાખવા માટે તૈયાર
વેણુગોપાલે કહ્યું અમે ગૃહ ચલાવવા માટે તૈયાર છીએ, પરંતુ આ માટે બંધારણ પર ચર્ચા થાય તે જરૂરી છે. સરકારે બંધારણ પર ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. સંસદ ભવનમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં વિરોધ પક્ષોના નેતાઓએ સંસદમાં ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરી. આ બેઠકમાં ખડગે ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ડીએમકેના નેતા ટીઆર બાલુ, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડા, રાષ્ટ્રીય જનતા દળના સંજય યાદવ અને અન્ય કેટલાક પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી.