પહેલીવાર લોકસભામાં ચૂંટાયેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે સાંસદ તરીકે શપથ લીધા. આ પ્રસંગે પ્રિયંકાનો આખો પરિવાર પણ સાંસદમાં હાજર હતો. માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ઉપરાંત તેમના પુત્ર રેહાન વાડ્રા અને પુત્રી મિરાયા વાડ્રા પણ સંસદ ભવનમાં હાજર હતા. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પ્રિયંકાના હાથમાં બંધારણની કોપી હતી અને તે તેને હવામાં બતાવી હતી. તેમણે હિન્દી ભાષામાં શપથ લીધી હતી.
સંસદ સભ્ય તરીકે શપથ લીધા
શપથ લીધા બાદ પ્રિયંકાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હાથ જોડીને શુભેચ્છા પણ પાઠવી હતી. ત્યારબાદ પ્રિયંકાએ પ્રથમ હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓનું હાથ જોડીને અભિવાદન કર્યું. ગૃહમાં વિપક્ષના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીએ પણ હાથ જોડીને તેમનું અભિવાદન સ્વીકાર્યું.
પ્રિયંકા ગાંધીએ બંધારણની કોપી લઈ શપથ લીધા
શપથ લીધા બાદ પ્રિયંકા વિપક્ષી સાંસદો માટેની બેઠકોની ચોથી હરોળ ફળવાઈ હતી. જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પહેલી હરોળમાં બેઠા હતા. આ પહેલા પુત્ર રેહાન અને પુત્રી મિરાયા વાડ્રા પણ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપવા સંસદ ભવન પહોંચ્યા હતા. પ્રિયંકાની માતા પણ આવી હતી.
રવીન્દ્ર બસંતરાવ ચવ્હાણે પણ ગૃહના સભ્ય તરીકે શપથ લીધા
પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતીને લોકસભા સાંસદ બન્યા હતા. ગાંધીએ વાયનાડ લોકસભા પેટાચૂંટણી ચાર લાખથી વધુ મતોના માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. પ્રિયંકા ઉપરાંત મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના નેતા રવીન્દ્ર બસંતરાવ ચવ્હાણે પણ ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા. ચવ્હાણે મરાઠી ભાષામાં શપથ લીધા હતા.