યુક્રેને રશિયા પર અમેરિકન મિસાઈલ છોડી, પુતિન પરમાણુ હુમલો કરશે?

રશિયા-યુક્રેન યુદ્ધને આજે એક હજાર દિવસ પૂરા થઈ ગયા છે. 22 ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે મંગળવારે કંઈક એવું થયું જે આ યુદ્ધને વધુ ઉગ્ર બનાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનની સેનાએ પુતિને તૈયાર કરેલી લાલ રેખા પાર કરી અને લાંબા અંતરની મિસાઇલોથી હુમલો કર્યો. અમેરિકાથી ફ્રી હેન્ડ મળ્યા બાદ યુક્રેને અમેરિકા તરફથી મળેલી લાંબા અંતરની મિસાઈલનો પ્રથમ વખત રશિયાની સીમા પર ઉપયોગ કર્યો છે. અહેવાલ અનુસાર યુક્રેનની સેનાએ રશિયાના ક્ષેત્રમાં આવતા સરહદી વિસ્તારમાં અમેરિકાથી મળેલી ATACMS મિસાઈલ છોડી દીધી છે.

અમેરિકાની ATACMS મિસાઈલનો ઉપયોગ

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈનિકોએ 6 એટીએસીએમએસ મિસાઇલો વડે રાત્રે બ્રાયનસ્ક ક્ષેત્રમાં હુમલો કર્યો હતો. રશિયાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે આમાંથી 5 મિસાઈલોને તોડી પાડી અને બીજી મિસાઈલને નુકસાન પહોંચાડવામાં સફળ રહી હતી. પરંતુ મિસાઇલના ટુકડા લશ્કરી સુવિધાના તકનીકી વિસ્તારમાં પડ્યા હતા. રશિયન મીડિયા અનુસાર આ મિસાઇલ હુમલાઓને કારણે રશિયામાં કોઈ જાનહાનિ કે નુકસાન થઈ નથી.

પરમાણુ નિયમોમા ફેરફાર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના પરમાણુ સિદ્ધાંતમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. રશિયા દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગથી સંબંધિત આ નિયમ અનુસાર, જો કોઈ દેશ પરમાણુ શક્તિ ધરાવતા દેશ સાથે મળીને રશિયા પર મિસાઈલ હુમલો કરે છે, તો આવી સ્થિતિમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. પરમાણુ સિદ્ધાંતોમાં ફેરફાર અનુસાર જો કોઈ NATOના સભ્ય દેશ દ્વારા રશિયા સામે હુમલો કરવામાં આવે છે તો મોસ્કો આ હુમલાને સમગ્ર ગઠબંધન દ્વારા કરવામાં આવેલ હુમલો ગણશે. અમેરિકન હથિયારોનો ઉપયોગ રશિયા સામે થશે તો રશિયા તેના માટે સમગ્ર નાટો ગઠબંધનને જવાબદાર ગણશે.

ATACMS મિસાઈલની ખાસયાત

અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ સપાટીથી સપાટી પર મારનાર બેલેસ્ટિક મિસાઈલ છે. જે લગભગ 300 કિલોમીટરના અંતરે પોતાના ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયાની અંદર લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગ માટે અમેરિકા અને પશ્ચિમી દેશો પાસેથી સતત મદદ માંગી રહ્યા હતા.

Scroll to Top