ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે મેગા ઓક્શનની તૈયારી થઈ ગઈ છે. મેગા ઓક્શન બે દિવસ ચાલશે. ખેલાડીઓ માટે બિડિંગ 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે હરાજી શરૂ થશે. હરાજી માટે 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી એક હજાર ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે. હવે માત્ર 574 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે.
કુલ 204 ખેલાડીઓ ખરીદવાના
10 ટીમોના પર્સમાં કુલ 641 કરોડ રૂપિયા બાકી છે. જ્યારે આ તમામ ટીમોએ કુલ 204 ખેલાડીઓ ખરીદવાના છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ પર પૈસાનો જોરદાર વરસાદ થશે તે નિશ્ચિત છે. આ વખતે ઋષભ પંત, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા મોટા ખેલાડીઓ હરાજીમાં ઉતરશે.
સૌથી વધુ પૈસા પંજાબ કિંગ્સ પાસે
દરેક ફ્રેન્ચાઈઝી પાસે તેની ટીમ બનાવવા માટે કુલ 120 કરોડ રૂપિયા છે. પંજાબ કિંગ્સ (PBKS) પાસે મેગા ઓક્શનમાં ખર્ચ કરવા માટે મહત્તમ રૂ. 110.5 કરોડ બાકી છે. આ એવી ટીમ છે જે અન્ય ફ્રેન્ચાઇઝીની રમત બગાડી શકે છે. તેની પાસે ખેલાડીઓને ખરીદવા માટે પૈસાની કોઈ કમી નથી. જો તે ઈચ્છે તો 50 કરોડ રૂપિયામાં પણ ખેલાડી ખરીદી શકે છે.
ટીમોના કુલ પર્સ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પાસે પર્સમાં રૂ. 83 કરોડ છે. દિલ્હી કેપિટલ્સ (DC) પાસે તેમના પર્સમાં રૂ. 73 કરોડ છે. ગુજરાત ટાઇટન્સ (GT) પાસે રૂ. 69 કરોડ છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસે રૂ. 69 કરોડ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પાસે પર્સમાં રૂ. 55 કરોડ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પાસે રૂ. 51 કરોડ છે. મુંબઇ ઇન્ડિયન્સ (MI) પાસે રૂ. 45 કરોડ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પાસે રૂ. 45 કરોડ અને રાજસ્થાન રોયલ્સ (RR) પાસે રૂ. 41 કરોડ રૂપિયા છે.