મેગા ઓક્શનમાં 13 વર્ષનો છોકરો ધૂમ મચાવશે, 574 ખેલાડીઓની હરાજી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. આ હરાજી માટે 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. હરાજી માટે 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એક હજાર ખેલાડીઓને બાકત રાખવામાં આવ્યા છે.

574 ખેલાડીઓમાંથી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડી

હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 574 ખેલાડીઓમાંથી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે. જેમાં એસોસિએટ દેશોના 3 ખેલાડીઓ પણ સામેલ છે. IPL 2025 માટે તમામ 10 ટીમોમાં કુલ 204 ખેલાડીઓ છે. શોર્ટલિસ્ટ કરાયેલા 574 ખેલાડીઓમાંથી માત્ર 204 ખેલાડીઓની હરાજી થશે. આ વખતે તમામ 10 ટીમોના પર્સમાં કુલ 641 કરોડ રૂપિયા છે. ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે હરાજી શરૂ થશે.

કુલ 574 ખેલાડીઓની હરાજી

574 ખેલાડીઓની યાદીમાં 81 એવા ખેલાડીઓ છે જેમની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. જ્યારે 27 ખેલાડીઓની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય 1.25, 1 કરોડ, 75 લાખ, 50 લાખ, 40 લાખ અને 30 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. ઋષભ પંત, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા મોટા ખેલાડીઓ હરાજીમાં છે. આ તમામે પોતાની બેઝ પ્રાઈશ 2 કરોડ રૂપિયા રાખી છે. જ્યારે વિદેશી ખેલાડીઓની યાદીમાં ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, જોસ બટલર, ડેવિડ વોર્નર, જેમ્સ એન્ડરસન, ટ્રેન્ટ બોલ્ટ, ફાફ ડુ પ્લેસિસ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે.

13 વર્ષનો ખેલાડી રમશે IPL?

IPL 2025ની મેગા ઓક્શન માટે જાહેર કરવામાં આવેલી અંતિમ યાદીમાં બિહારના વૈભવ સૂર્યવંશીને પણ સ્થાન મળ્યું છે. વૈભવ હરાજીની યાદીમાં સામેલ સૌથી યુવા ખેલાડી છે અને તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા છે. વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો અને તેમની હાલની ઉંમર 13 વર્ષ અને 234 દિવસ (16 નવેમ્બર 2024) છે.

Scroll to Top