ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્રના થાણેમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે 26/11ના મુંબઈ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે તે સમયે આતંકવાદ સામે નબળું વલણ અપનાવ્યું હતું.
કોંગ્રેસ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરી નહીં
નડ્ડાએ કહ્યું કે 26/11નો હુમલો મુંબઈમાં થયો હતો. તે સમયે યુપીએ સરકાર પાકિસ્તાનને માત્ર દસ્તાવેજો જ મોકલતી રહી, જ્યારે અજમલ કસાબને બિરયાની ખવડાવવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરી નથી.
15 દિવસમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી
જેપી નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા પર લેવામાં આવેલા નિર્ણાયક પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, જ્યારે ઉરી હુમલો થયો ત્યારે 15 દિવસમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
અજમલ કસાબને બિરયાની ખવડાવી
નડ્ડાએ કહ્યું, “કોંગ્રેસના નેતાઓ સર્જિકલ અને એર સ્ટ્રાઈકના પુરાવા માંગી રહ્યા હતા. એનડીએનો વિરોધ કરતી વખતે કોંગ્રેસે દેશનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી બંધારણના ABCને પણ નથી સમજતા. તેઓ નથી જાણતા કે બંધારણ ધર્મના આધારે અનામતની મંજૂરી આપતું નથી.
કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ
કોંગ્રેસ તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. તેલંગાણા અને કર્ણાટકમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત ક્વોટામાંથી લઘુમતીઓને અનામત આપવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ભેદભાવ વિના દેશને એક કર્યો છે. કોંગ્રેસની વિભાજનકારી નીતિઓને નકારવા અને દેશને મજબૂત કરતી રાજનીતિને સમર્થન આપવા અપીલ કરી હતી.