અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ બાદ ભુપેન્દ્ર પટેલની સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર માંથી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે, પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાથી જાડાયેલી હોસ્પિટલો સમગ્ર રાજ્યમાં મેડિકલ કેમ્પ કરી શકશે નહીં. જો કોઈ હોસ્પિટલ સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે.
સરકાર કોઈ આવા મેડિકલ કેમ્પને પ્રોત્સાહન આપતું નથી
રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળની તબીબી સેવાઓની શાખાએ જાહેર કરેલા પત્ર અનુસાર સરકાર કોઈ આવા મેડિકલ કેમ્પને પ્રોત્સાહન આપતું નથી. તથા તેમને આવા કેમ્ય યોજવાના પમ રહેતા નથી. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, આ નિયમને રાજ્યની બધીજ હોસ્પિટલે પાળવાનો રહેશે. રાજ્યના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે કે, આ યોજના સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલો દર્દીઓને શોધવા અને તેમના પર ઓપરેશન કરી યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના આશયથી આવા મેડિકલ કેમ્પ યોજે છે અને ગરીબ દર્દીઓને શિકાર બનાવે છે. આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે.
2021થી કરેલ ઓપરેશનની વિગતો પણ હવે પોલીસ તપાસ કરશે
ખ્યાતિ હોસ્પિટલકાંડમા આરોપી ડોક્ટર પ્રશાંત વઝીરાણી પર સકંજો કસાયો છે. કોર્ટે પ્રશાંત વઝીરાણીના 21 નવેમ્બર સાંજે ચાર વાગ્યા સુધીના રિમાંડ મંજૂર કર્યા છે. આરોપી ડોક્ટરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તો આ તરફ ખ્યાતિ કેસ બાબતે સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂક કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા ડો. પ્રશાંતને હોસ્પિટલમાં વિઝિટિંગ ડોકટર તરીકે એક એન્જિયોગ્રાફી દિઠ 800 રૂપિયા અને એન્જિયોપ્લાસ્ટી દિઠ 1500 રૂપિયા મળતા હતા. તો આ તરફ ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત 2021થી કરેલ ઓપરેશનની વિગતો પણ હવે પોલીસ તપાસ કરશે.