Gopal Italia ; રાજ્યની ગુલાબી ઠંડીમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં ફરી જૂતાં કાંડ થયો છે, વર્ષ 2017માં ગોપાલ ઈટાલિયાએ તત્કાલિન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને વિધાનસભાની ગેલેરીમાં જૂતું ફેંક્યું હતું. આજે વર્ષો બાદ ફરી એ ઘટનાક્રમનું પુનરાવર્તન થયું છે. પરંતુ આ વખતે જૂતું ગોપાલ ઈટાલિયા પર પડ્યું છે.
જામનગરમાં યોજાયેલ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં જોરદાર બબાલ થઈ છે. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું છે. મહત્વનું છે કે, જામનગરના ટાઉન હોલમાં ગુજરાત જોડો કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે આ બબાલ થઈ છે. ઓડિયન્સમાં બેઠેલા એક યુવાને મંચ પાસે આવીને જૂતું ફેક્યું હતું. જૂતું ફેંકનાર વ્યક્તિને લોકોએ પકડી માર માર્યો હતો.
મહત્વનું છે કે, ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે. ગુજરાત વિધાનસભાની બહાર ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ પણ ફેંક્યું હતું.
કોંગ્રેસના કાર્યકરે ફેંક્યું જૂતું
જૂતું ફેંકનાર શખ્સની ઓળખ કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે. આ ઘટના બનતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જૂતું ફેંકનાર શખ્સને તાત્કાલિક પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી ચંપલનો છુટ્ટો ઘા કર્યો હતો.આપ નેતાઓએ આ કોંગ્રેસના કાર્યકરને લમધારી નાખ્યો હતો. છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતું માર્યું હતું. ગોપાલ ઈટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસના આમ આદમી પાર્ટીના આગમનથી પેટમાં તેલ રેડાયું છે.આ સિવાય તેઓએ ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, પોલીસને આ વિષયે ખબર હતી. આ કારણોસર જ પોલીસ એસ્કોર્ટ કરીને લાવી હતી.



