Chotila પ્રાંત અધિકારી H.T. Makwana દ્વારા ફરી એકવાર કાયદો ભંગ કરનાર માફિયાઓ સામે કડક વલણ દાખવવામાં આવ્યું છે. મોડીરાત્રે મોટી કાર્યવાહી દરમ્યાન મુળી તાલુકામાંથી ગેરકાયદેસર કાર્બોસેલ ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ છે.
Chotila પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે મોડી રાત્રે રેડ કરતાં સત્તાવાર રીતે 7 કુવાઓ પરથી ખનન ઝડપાઈ આવ્યું છે. સ્થળ પરથી 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, 6 ચરખી સહિત અંદાજે ₹36 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બિનકાયદેસર રીતે સરકારની જમીનમાંથી ચાલતા આ ખનન દરમિયાન 4 કાર્બોસેલના કૂવામાંથી 38 મજૂરોને બચાવી કાઢવામાં આવ્યા છે, જેમને જોખમભરી પરિસ્થિતિમાંથી બહાર લાવાયા છે.
આ પણ વાંચો – Visavadar: માલધારી આગેવાનનો વીડિયો વાયરલ
પ્રશાસન તરફથી મળેલી માહિતી મુજબ, ત્રણ ભૂમાફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં અગાઉ પણ આવી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ સામે ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં ફરી આવા મામલા સામે આવ્યા છે. પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની આગેવાનીમાં કરવામાં આવેલી આ કાર્યવાહીથી એક બાબત સ્પષ્ટ થાય છે કે સરકાર અને તંત્ર ખનન માફિયાઓ સામે શૂન્ય સહિષ્ણુતા દાખવી રહ્યું છે.