Harsh Sanghavi: આવતીકાલે મોટી માત્રામાં ડ્રગ્સનો કરાશે નાશ

Harsh Sanghavi

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi આવતીકાલે Kutch ની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન Harsh Sanghavi ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેશે. પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો આવતીકાલે નાશ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મેળવ્યા બાદ, રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


મુખ્ય મુદ્દાઓ:

કુલ 28 કેસનો સમાવેશ: આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના 11, પશ્ચિમ કચ્છના 16 અને મોરબી જિલ્લાનો 01 કેસ મળી કુલ 28 કેસનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે.

કરોડોના ડ્રગ્સનો નાશ:

  • ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ 82.616 કિલોગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂપિયા 826,16,00,000/- (આઠસો છવીસ કરોડ સોળ લાખ) છે.
  • માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ 105.428 કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂપિયા 44,57,50,000/- (ચુંમાલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર) છે.
  • Morbi તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 8986.2 લીટર કોડીનયુક્ત સિરપ (બોટલ નંગ 89,862), જેની અંદાજિત કિંમત રૂપિયા 01,84,64,843/- (એક કરોડ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો ત્રેતાળીસ) છે.

આ પણ વાંચો – Harsh Sanghavi આવતીકાલે કાયદો અને વ્યવસ્થાને લઇ મોરબી અને કચ્છની જનતા સાથે કરશે સીધો સંવાદ

અન્ય માદક પદાર્થોનો પણ નાશ: ઉપરોક્ત કેસો ઉપરાંત, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય 25 કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઈન, ચરસ, મેફેડ્રોન, પોષડોડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ 129.368 કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો 74.213 કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવશે.

કુલ જથ્થો: આમ, ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ 391.625 કિલોગ્રામ અને 8986.2 લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવશે.

આ કાર્યવાહી રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યોની હાજરીમાં, તેમજ ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષશ્રીની હાજરીમાં મે. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી) માં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે. આ કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

Scroll to Top