Morbi જિલ્લાના મહેન્દ્રનગર ગામે આજે વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરતાં ચક્કાજામ કરવામાં આવ્યો. ગામમાં બસ સ્ટોપ હોવા છતાં પણ બસ ન ઊભી રહેતાં વિદ્યાર્થીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વિરોધરૂપે વિદ્યાર્થીઓએ મુખ્ય માર્ગ પર રસ્તો રોકી ટ્રાફિક અવરજવર ઠપ્પ કરી નાખી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેન્દ્રનગર ગામમાં નિયમિત સ્કૂલ અને કોલેજે જતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી બસ સ્ટોપ મંજૂર થયેલો છે, પરંતુ આ નિર્ધારિત સ્થાને બસ ઊભી રહેતી નથી. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આજે વિદ્યાર્થીઓએ રસ્તા પર ઊતરવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો – Kanti Amrutiya: મોરબીમાં ધારાસભ્યનો વિરોધ સતત યથાવત
વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યા પછી બસ સેવા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અનેક વાહનો લાંબી લાઈનમાં ઉભા રહેવા પડ્યા, જેમાં ઓફિસ જતાં લોકો અને સામાન્ય મુસાફરો પણ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને ખાતરી આપી કે આગામી દિવસોમાં બસ નિયમિત રીતે નિર્ધારિત સ્ટોપ પર ઊભી રહેશે. વિદ્યાર્થીઓનો આંદોલન શાંતિપૂર્ણ રહ્યો. પરંતુ આ ઘટના ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં Transport સેવાના મુદ્દે તંત્રની લાપરવાહીને ઉજાગર કરે છે.