સમાજમાં સ્થાપિત સંતો મહંતોના દેહવિલય બાદ એમની સમાધિઓ બનતી હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું પાડરશિંગા ગામમાં ખેડુત પરીવારે કારને જમીનમાં સમાધી આપવાની ઘટના સામે આવી છે.
2013માં કારની ખરીદી કરી હતી
પાડરશિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ 2013માં કારની ખરીદી કરી હતી. ખેડુતે કહ્યું કે, આ કાર ખરીદી કર્યા પછી પ્રતિષ્ઠા અને પ્રગતિમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, કારને વેચવાને બદલે ફોર વ્હીલ કારને શાસ્ત્રોકત વિધિ મુજબ સમાધિ આપવામાં આવી છે. સમાધી માટે 12 ફૂટનો ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. આ કારને સમાધી આપતા પહેલા ગામમાં સામૈયું કાઢવામાં આવ્યું હતું.
કાર ખરીદી કર્યા પછી પ્રતિષ્ઠા અને પ્રગતિમાં વધારો થયો – ખેડુત
આ વ્હાલ સોયી કારને લક્કી માનતા ખેડૂત સંજય પોલરા વ્યવસાયે સુરતમાં કંસ્ટરક્શન સાથે જોડાયેલા છે. કાર આવ્યા બાદ પદ, પ્રતિષ્ઠામાં વધારો થયો હતો. સમાજમાં પણ સારી નામના થવાથી આ કારને મ્યુઝિયમમાં રાખવાને બદલે કે, વેચવાને બદલે કારને સમાધિ આપીને આજીવન યાદગાર બની રહે તે માટે એના પર વૃક્ષનું વાવેતર કરવાનો વિચાર આવ્યો હતો. સગા સંબંધીઓને કંકોત્રી મોકલીને જાણે સંતોના સામૈયું કરતા હોય તેમ ગાડીના સામૈયા કરીને ગાડીને 2 કિલોમીટર દુર વાડીએ સમાધિ અર્પણ કરવામાં આવી હતી.
ગાડી આગળ બ્રાહ્મણ દ્વારા વિધિ કરવામાં આવી
સંજય પોલરાએ પોતાની કારની સમાધિ પહેલા ગાડી આગળ બ્રાહ્મણ દ્વારા વિધિ કરવામાં આવી હતી. આ સાથે ગાડીને સમાધિવાળા ખાડામાં ઉતારીને જેસીબી વડે કારને સમાધિ અર્પણ કરવામાં આવી હતી. જે કાર ની સમાધિ આપવા આવેલા મહેમાનો પણ આ કારની સમાધિના પ્રસંગને માણવા સુરત-અમદાવાદ અને અન્ય શહેરોમાંથી આવ્યા હતા ને આવા કાર સમાધિના કાર્યક્રમ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અત્યાર સુધી સંતો મહંતો કે અમુક સમાજમાં જ મૃતક સ્વજનોને સમાધિઓ અપાતી હોય છે પણ અમરેલી જિલ્લામાં આશ્ચર્યજનક રીતે વ્હાલી કાર ને વેચાણ કરવા કે સાચવવા કે મ્યુઝીયમમાં સ્થાન આપવાને બદલે સમાધિ આપવાનો નવતર વિચાર પાડરશિંગા ગામ સાથે જિલ્લાભરમાં ચર્ચાના કેન્દ્રે જોવા મળ્યો હતો.