Rajkot : અમિત ખુંટ કેસમાં ફરી ચોંકાવનારો ખુલાસો, જયરાજસિંહ સહિત 28 લોકો સામે ફરિયાદ દાખલ

Rajkot : રિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી સગીરાએ ત્રણ દિવસ પૂર્વે રાજકોટ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર, ગણેશ જાડેજા, રાજકોટના ડીસીપી બાંગરવા સહિત 28 વ્યક્તિ વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી છે.

સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, રાજકોટ ડીસીપી બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓ વિરૂધ્ધ રાજકોટ કોર્ટમા કરેલી ફરિયાદ બાદ બુધવારે સગીરાના પિતાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમેણે પોતાની દીકરી દ્વારા જયરાજસિંહ અને પોલીસ અધિકારીઓ પર લગાવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

 

 

દરમિયાન સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય), ગણેશભાઈ જાડેજા, જેકીભાઈ, દિગપાલસિંહ, મહિપતસિંહ, હેમભા સહિત જયરાજસિંહના સહયોગીઓ અને બોડીગાર્ડ, ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડીવાયએસપી કે. જી. ઝાલા, પી.આઈ. એ. ડી. પરમાર, મહિલા પોલીસ અધિકારી, અન્ય પોલીસ કર્મચારીઓ સહિત ૨૨ વિરૂધ્ધ આજે ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદ કર્યા પછી મીડિયા સમક્ષ આવી હતી. તેણે જણાવ્યા મુજબ, “મેં પહેલા જ કહ્યું હતું કે આ લોકો મારા ઘર સુધી પહોંચી જશે અને મારા પરિવારને હેરાન કરશે, અને એવું જ બન્યું જયરાજસિંહના માણસો અમારા ગામડે પહોંચી ગયા હતા અને સરપંચની હાજરીમાં મારા પિતાને બે કલાક સુધી માનસિક ત્રાસ આપીને દબાણપૂર્વક પેલો વીડિયો બનાવડાવ્યો હતો.” આ દાવાને સમર્થન આપતો એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં અમરેલીજિલ્લાના થાવી ગામની ગ્રામ પંચાયતમાં ગામના સરપંચ, જયરાજસિંહ જાડેજા અને સગીરાના પિતા સાથે બેઠેલા જોવા મળે છે.

સગીરાના વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે, “અમિત ખૂંટ કેસની આરોપી સગીરાને જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશભાઈ અને પોલીસ અધિકારીઓએ બે દિવસ સુધી ‘શ્રી હોટલમાં ગોંધી રાખી હતી અને ચોક્કસ નિવેદન આપવા દબાણ કર્યું હતું. આ સમગ્ર પડયંત્ર બાબતે આજે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ વીડિયોમાં સગીરાના પિતાની વાત કરવાની રીત પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓ દબાણમાં બોલી રહ્યા છે. જો સગીરાના આરોપોમાં તથ્ય ન હોત, તો તેમને આવો વીડિયો જાહેર કરવાની જરૂર જ ન પડત. આ તેમની સામે થઈ રહેલી ફરિયાદોનો ફફડાટ દર્શાવે છે. સગીરાના વકીલ દ્વારા શ્રી હોટલ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી ઓફિસના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જરૂર પડયે અન્ય સ્થળોના ફૂટેજ પણ મંગાવવામાં આવશે તેમ જણાવાયું છે.

Scroll to Top