Air India :- એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના જીવ ગુમાવનાર વ્યક્તિઓના પાર્થિવ દેહની સોંપણી અંગે સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ નિર્દેશ કરતા જણાવવામાં આવ્યું છે કે, મૃતદેહ સ્વીકારવા આવતા સ્વજનોએ પોતાની અને મૃતકની ઓળખ માટેના દસ્તાવેજો સાથે લાવવા જરૂરી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા PM રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ સહિતના તમામ કાયદાકીય દસ્તાવેજોની ફાઈલ તૈયાર અપાશે. મૃતદેહને બાય એર લઈ જવા માટે એર ઇન્ડિયા મદદ કરશે. પરંતુ સ્વજનોએ ફ્લાઇટના સમય બાબતે હોસ્પિટલ સાથે અગાઉથી સંકલન કરવું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્લેન દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે 250 જેટલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સેવાભાવી સંસ્થાના કાર્યકરોની ટીમે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને ‘ગોલ્ડન અવર્સ’માં શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના સહયોગ અને સંકલનને કારણે DNA સેમ્પલ મેચિંગની કાર્યવાહી અત્યંત ઝડપથી આગળ વધી રહી છે. જેના પરિણામે 9 DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ કરવામાં આવ્યા છે, અને તેમાંથી એક મૃતદેહની ઓળખ કરીને તેમના પરિજનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે. DNA મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા નીચે મુજબ હાથ ધરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના જે સગાએ DNA સેમ્પલ આપ્યા છે, તેમને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ સિવાય સરકાર દ્વારા પરિવારજનોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો નીચે મુજબ છે, જેનો ઉપયોગ પરિજનોનો સંપર્ક કરવા માટે કરવામાં આવી રહ્યો છે: 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875.
પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું?
સરકારના નિર્દેશ અનુસાર શક્ય હોય ત્યાં સુધી, જે નજીકના સગાએ DNA સેમ્પલ આપેલ છે, તેમણે પોતે આવવું તે અત્યંત ઇચ્છનીય છે. જો તેઓ આવી શકે તેમ ન હોય, તો મૃતકના અન્ય કોઈ નજીકના કુટુંબીજન આવી શકે છે. પાર્થિવ દેહ સ્વીકારવા આવનાર સગાએ પોતાની અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.
- આવનાર સગા એ પોતાનું આધાર કાર્ડ અથવા સરકાર દ્વારા માન્ય અન્ય કોઈ ફોટો ઓળખપત્ર (અસલ) સાથે રાખવું.
- મૃતકનું ઓળખપત્ર: મૃતકનું આધાર કાર્ડ, પાસપોર્ટ, અથવા વોટર આઇડી કાર્ડ (અસલ અથવા નકલ) સાથે રાખવા.
- મૃતક સાથેનું સગપણ સાબિત કરતો દસ્તાવેજ સાથે રાખવો. –
- DNA સેમ્પલ આપતી વખતે નોંધાવેલો મોબાઇલ નંબર સાથે રાખવો.
- મૃતકનો પાર્થિવ દેહ લેવા નજીકના સગામાની વ્યક્તિ પોતે ન આવી શકે અને અન્ય કોઈને મોકલે તો ઓથોરિટી લેટર સાથે મોકલવો
હોસ્પિટલ દ્વારા અપાનારા દસ્તાવેજો :
પાર્થિવ દેહની સાથે જ, મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ તેમજ અન્ય લીગલ કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઈલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવશે.
જો મૃતકની ઓળખ કે સગપણનો કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય, તો સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ આપના વિસ્તારની મામલતદાર, કલેક્ટર કે પ્રાંત અધિકારીની કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવું. ઉપરોક્ત દસ્તાવેજો સાથે મૃતકના સગાઓએ સિવિલ હોસ્પિટલના D2 બ્લોકની ઓફિસ સામે બનાવેલ કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જો હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી જણાય, તો જે નંબર પરથી આપને ફોન આવ્યો હતો, તે જ નંબર પર સંપર્ક કરવાથી સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.
પાર્થિવ દેહના પરિવહન માટેની વ્યવસ્થા:
સ્થાનિક પરિવહન (બાય રોડ): જે પરિજનો પાર્થિવ દેહને બાય રોડ પોતાના નિવાસસ્થાને લઈ જવા ઈચ્છે છે, તેમના માટે સરકારી તંત્ર દ્વારા ઘર સુધી મૃતદેહ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.જે પરિજનો પાર્થિવ દેહને અન્ય રાજ્ય કે દેશમાં હવાઈ માર્ગે લઈ જવા માંગતા હોય, તેમણે ફ્લાઇટના સમય અંગે અગાઉથી સંકલન કરવા વિનંતી છે. આ પ્રક્રિયામાં એર ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે.