વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 01 લી જૂનને World Milk Day (વિશ્વ દૂધ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે 02 ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 5.7 ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ GDPમાં લગભગ 4.5 ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.
World Milk Day: વડાપ્રધાન Narendra Modi ના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામે દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી Bhupendra Patel તેમજ પશુપાલન મંત્રી Raghavji Patel માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે વાર્ષિક 18 મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.5 ટકા જેટલો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં 38 ટકા વધીને આજે 700 ગ્રામ પ્રતિ દિન થઇ છે.
Gujarat ના પશુધન માટે હાલ રાજ્યમાં 929 પશુ દવાખાના, 552 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, 587 ફરતા પશુ દવાખાના, 34 વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને 21 પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ ઉપરાંત પશુઓને સારવાર-રસીકરણ સહિતની સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં અત્યારે કુલ 4,276 પશુ ચિકિત્સકો (વેટરિનેરિયન) નોંધાયેલા છે. આ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડીને રાજ્ય સરકાર ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.
પશુઓની ઉત્તમ સારવાર ઉપરાંત પશુપાલકો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ સંવર્ધનને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સારી નસલના પશુઓની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને નજીવા દરે પશુઓમાં સેક્સ્ડ સીમેન ડોઝ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો સફળતા દર 90 ટકાથી વધુ છે. એટલે કે, સેકસ્ડ સીમેન ડોઝ બાદ 90 ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે. આ ઉપરાંત પશુઓમાં થતા IVFના ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા પશુપાલકોને સબસીડી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Viksit Krishi Sankalp Abhiyan: ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન
રાજ્ય સરકારના બહુલક્ષી પ્રયાસોના પરિણામે જ આજે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ખૂબ જ વિકસિત બન્યો છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. ગામડાંઓમાં પશુપાલન એ લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવા દૂધ ઉત્પાદક પરિવારોને અમૂલ જેવી સહકારી સંસ્થાઓએ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી રાજ્યના પશુપાલકો પણ આજે આત્મનિર્ભર બન્યા છે. આગામી સમયમાં ગુજરાતને દેશનું અગ્રેસર દૂધ ઉત્પાદક રાજ્ય બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.