ગુજરાતના રાજકીય મેદાનમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. કારણ કે ઉત્તર ગુજરાતની કડી અને સૌરાષ્ટ્રની Visavadar વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનો રંગ જામ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાતમાં AAPના અગ્રણી ચહેરાઓમાંના એક Gopal Italia, પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. ખાસ કરીને રાજકીય વિશ્લેષકો, વિસાવદરમાં પાટીદાર મતદારોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગોપાલ ઈટાલીયાની ઉમેદવારીને પાર્ટીના માસ્ટરસ્ટ્રોક તરીકે જોઈ રહ્યા છે.
આજે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal, પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Atishi, પ્રદેશ પ્રભારી Gopal Rai, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠક, મહામંત્રી મનોજ સોરઠિયા અને ગુજરાત AAPના પ્રમુખ Isudan Gadhvi સહિત અનેક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા જોવા મળ્યા હતા.
રાજકીય સમીકરણોની વાત કરીએ તો, વિસાવદર બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPના ભૂપેન્દ્ર ભાયાણીએ આ બેઠક જીતી હતી. જોકે, ભાયાણીએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. ગુજરાત AAPના પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, “કડી અને વિસાવદરમાં AAP મજબૂતીથી લડશે અને જીતશે. જનતા આપની સાથે છે અને અન્ય પક્ષોને જાકારો આપશે.”
આ પેટાચૂંટણી ગોપાલ ઇટાલિયાના રાજકીય ભવિષ્ય માટે પણ મહત્વની માનવામાં આવે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ ગુજરાતમાં પાંચ બેઠકો જીતી હતી, પરંતુ દિલ્હીમાં તાજેતરની હાર બાદ પાર્ટીનું સંગઠન ગુજરાતમાં નબળું પડ્યું છે. આ ચૂંટણી AAP માટે ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ પણ પોતાની રણનીતિને વધુ ધારદાર બનાવી રહ્યા છે.