Amreli :- અમરેલીમાં ફરી દારૂને લઈને વિવાદ ઊભો થયો છે. SP સંજય ખરાટ વિરુદ્ધ ભાજપના નેતા દિલીપ સંઘાણીના ગંભીર આક્ષેપ કર્યા છે. અમરેલી જિલ્લામાં દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ઉઠેલો વિવાદ હવે ગંભીર દિશામાં આગળ વધી રહ્યો છે. જીલ્લાના પોલીસ વડા સંજય ખરાટ સામે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી દ્વારા કરાયેલા આક્ષેપોથી રાજકીય ગરમાવો જામી ગયો છે.
દારૂ અંગે વિવાદ અને SP પર આક્ષેપ
દિલીપ સંઘાણીએ દાવો કર્યો છે કે અમરેલી જિલ્લામાં દારૂ, અસામાજિક પ્રવૃત્તિઓ તથા બિનકાયદે ખનનની પ્રવૃતિઓ પોલીસ અધિક્ષક સંજય ખરાટના આશીર્વાદથી જ વધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “અમને ખબર જ છે કે, SP ક્યાં શું ચલાવે છે, તેની સંપૂર્ણ રજૂઆત હું મુખ્યમંત્રી સમક્ષ કરીશ.”
ભાજપના કાર્યકરો પર દબાણ?
દિલીપ સંઘાણીનું કહેવું છે કે વિપુલ દુધાત અને તેમનો પરિવાર આરએસએસ તથા જનસંઘ સાથે વર્ષોથી જોડાયેલા છે, તેમ છતાં પોલીસે તેમના વિરુદ્ધ ગુંડાગીરીના કેસ કરીને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ આને એક વ્યૂહાત્મક કાવતરું ગણાવે છે.
SPની કાર્યશૈલી સામે પ્રશ્નચિહ્ન
સંઘાણીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે , “એક IPS અધિકારીએ ચિંતા કરવાની જરૂર નથી કે, અમરેલી તાલુકા ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવવું ?” તેઓનું કહેવું છે કે પોલીસ પક્ષપાતી રીતે કાર્ય કરી રહી છે અને જો જરૂરી બનશે તો તેઓ ભાજપના કાર્યકરો સાથે પોલીસચોકીનું ઘેરાવ કરવું.
•SP સંજય ખરાટ પર દારૂ, ખનન અને અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ
•વિપુલ દુધાત સામેની કાર્યવાહી પર રાજકીય શંકા
•SPની કાર્યપદ્ધતિ સામે પાર્ટીના આંતરિક વિરોધનો ઉગ્ર સ્વર
•પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત તથા મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરવાની માગણી
•આવશ્યક બન્યા પર ઘેરાવ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
અમરેલીમાં દારૂ વિવાદને લઈને ઉઠેલો રાજકીય તોફાન માત્ર એક સ્થાનિક મુદ્દો રહ્યો નથી. પોલીસની ભૂમિકા, શાસક પક્ષના આંતરિક મતભેદ અને સ્થાનિક નેતાઓની માથાકુટ વચ્ચે હવે આ મુદ્દો કેન્દ્ર સુધી પહોંચી ગયો છે. જો સ્થિતિનો ઉકેલ ઝડપથી નહીં લાવવામાં આવે તો, આ વિવાદ એક મોટું રાજકીય સંકટ સર્જી શકે છે.