ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની હારથી બધાને ચોંકાવી દીધા છે. આ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા પર સવાલો ઉઠી રહ્યા છે. તેમજ આગામી ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની જીતની શક્યતાઓ પર હવે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ગેરહાજરીએ વધુ મુશ્કેલ બનાવી દીધી છે. ભારતીય ક્રિકેટના નિષ્ણાતો અને ફેન્સ શમીની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈને ચિંતિત છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આ પછી પણ નર્વસ દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડનો ડર પણ સામે આવ્યો છે.
શમી સંપૂર્ણ રીતે ફિટ નથી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી 5 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાએ નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. હાલમાં જ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોહમ્મદ શમીને જગ્યા મળી નથી. શમી ઈજાના કારણે છેલ્લા એક વર્ષથી ક્રિકેટના મેદાનની બહાર છે, અને હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેથી પસંદગી સમિતિએ તેને ટીમમાં સામેલ કર્યો નથી. બોર્ડ રાહ જોઈ રહ્યું છે કે શમી એક કે, બે રણજી ટ્રોફી મેચ રમીને પોતાની ફિટનેસ સાબિત કરે, ત્યારબાદ તેને સીરિઝની મધ્યમાં ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી શકે છે.
એન્ડ્રુ મેકડોનાલ્ડે શમીની ભરપૂર પ્રશંસા કરી
ટીમ ઈન્ડિયાના ફેન્સ વધારે ચિંતિત છે. એન્ડ્રુ મેકડોનાલ્ડે શમીની ભરપૂર પ્રશંસા કરી અને માન્યું કે, તેની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ફટકો છે. મેકડોનાલ્ડે કહ્યું કે, ભારતીય ટીમે જસપ્રિત બુમરાહ સાથેની જોડી તુટી છે. તેમ છતા મેકડોનાલ્ડે સ્વીકાર્યું કે, ટીમ ઈન્ડિયાના નવા ખેલાડીઓને હળવાશથી લઈ શકાય નહીં, કારણ કે, તેનું પરિણામ છેલ્લી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જોવા મળ્યું હતું.
2018ની જીતમાં શમીનું ખાસ યોગદાન
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના અગાઉના બંને પ્રવાસમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેમાંથી 2018ની જીતમાં શમીનું ખાસ યોગદાન હતું પરંતુ 2020-21માં તે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી કારણ કે, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની જેવા નવા બોલરોએ પોતાના ડેબ્યૂમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કદાચ આ ડર હજુ પણ ઓસ્ટ્રેલિયન કેમ્પમાં જોવા મળ્યો છે. જ્યારે આ વખતે હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણ જેવા નવા બોલરો સાથે જઈ રહ્યા છે.