Surat ; ACP બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા
સુરત શહેરમાં કે ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરીએ વર્ષ 1993માં PSI ની સીધી ભરતીમાં સિલેક્ટ થયા હતા. આ દરમિયાન બી.એમ.ચૌધરી OBC કેટેગરીમાંથી આવતા હોવા છતાં ST (શિડ્યુલ ટ્રાઈબલ)નું ખોટું જાતિનું પ્રમાણપત્ર બનાવી રજુ કર્યુ હતુ. આ સમગ્ર ઘટના મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાવામાં આવ્યો હતો. ગુનો દાખલ થવાની જાણ જ ACP બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાલમાં ઉમરા પોલીસે બી.એમ.ચૌધરીની શોધખોળ હાથ ધરી છે.
DGP વિકાસ સહાયે ડિસમિસનો હુકમ કર્યો હતો..
Surat શહેરનાં K ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરીને ગત તા.21 મે બુધવારનાં રોજ ફરજ પરથી બરતરફ કરી ફરજમુક્ત કર્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ACP બી.એમ.ચૌધરી વિરુદ્ધ થોડા સમય પહેલા એક અરજી મળી હતી. જેમાં ACP બી.એમ.ચૌધરીએ 32 વર્ષ પહેલા જ્યારે તે PSI તરીકે ભરતી થયા તે વખતે જાતિનું પ્રમાણપત્રનું જે ડોક્યુમેન્ટ આપ્યુ હતુ તે નકલી હતુ. તેના આધારે ગૃહ વિભાગે તેની ચકાસણી કરતાં જાતિનાં પ્રમાણપત્ર નકલી હોવાનું સાબિત થતા DGP વિકાસ સહાયે ગૃહ વિભાગની સૂચના બાદ ACP બી.એમ.ચૌધરીને ફરજમુક્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
બી.એમ.ચૌધરીને કારણે અન્ય ઉમેદવારને અન્યાય..
બી.એમ.ચૌધરી વર્ષ-1993માં સીધા PSI તરીકે જોડાયા હતા. ત્યાર પછી વર્ષ-2003માં (PI) પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે અને વર્ષ-2019માં ACP (આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ) તરીકેનું પ્રમોશન મેળવ્યુ હતુ. આમ, જાતિનાં નકલી પ્રમાણપત્ર પર બી.એમ.ચૌધરી એ 32 વર્ષ સુધી પોલીસખાતામાં નોકરી કરી આ દરમિયાન ઘણા કેસોની તપાસ પણ કરી જ હશે. પરંતુ હવે પોતે જ ફરજમુક્ત થયા છે ત્યારે જે તે વખતે કરેલા કેસની તપાસનું શું થશે? જે તે વખતે એટલે કે 32 વર્ષ પહેલા બી.એમ.ચૌધરીનાં કારણે અન્ય સાચા ઉમેદવારને અન્યાય થયો હશે? તેને કેવી રીતે ન્યાય આપશે? આ તમામ પ્રકારનાં સવાલ ઉભા થાય છે.