Rajkot : જયેશ રાદડીયાના ગઢ જેતપુરમાં નાગરપાલિકના પ્રમુખ સામે બળવો ?

Rajkot : ગુજરાતના રાજકારણમાં જયારે જયારે સોંરાષ્ટ્રની ચર્ચાઓ ચાલે ત્યારે જયેશ રાદડિયાનું નામ આવે છે. પરંતુ આ વખતે જયેશ રાદડિયાનું નામ નથી આવ્યું પણ તેમના ગઢ સમાન જેતપુર નગરપાલિકામાં પ્રમુખ સામે બળવો થવાના એંધાણ લાગી રહ્યા છે.

જેતપુર નગરપાલિકામાં ભાજપ જ ભાજપ સામે
જેતપુરની નગરપાલિકામાં અંદરોઅંદર ડખા શરૂ થયા છે અને ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાય છે. જેતપુર નગરપાલિકાની કુલ 44 બેઠક છે. આ 44 બેઠકમાંથી 32 બેઠક ભાજપ પાસે છે. હાલમાં મીનાબેન રાજુભાઈ ઉસદડિયા જેતપુર નગરપાલિકાનાં પ્રમુખ છે. ભાજપ અને અપક્ષ મળીને કુલ 41 સભ્યોનાં સમર્થન સાથે પ્રમુખપદની જવાબદારી સંભાળી હતી. પરંતુ જેતપુર તાલુકામાં પાલિકાને લગતા કામ ન થતાં 17 સભ્યોએ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી છે. જેતપુર નગરપાલિકામાં ભાજપની પૂર્ણ બહુમતી હોવા છતાં પાલિકાનાં સભ્યોની નારાજગીને કારણે અંદરોઅંદરનાં ડખા સામે આવ્યા છે.

કેમ પાલિકના સભ્યો અચાનક જયંતી રામોલીયાને રજુઆત કરી
સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, પાલિકાનાં 17 સભ્યો પોતાની નારાજગી ઠાલવવા માટે ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનનાં પ્રમુખ પાસે ગયા હતા. આ નારાજ સભ્યોનાં જૂથે ધારાસભ્ય જયેશ રાદડિયાનાં નજીકનાં માનીતા જયંતિભાઈ રામોલિયાને પાલિકાનાં પ્રમુખ મીનાબેન ઉસદડિયા વિરુદ્ધની રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખ મીનાબેન ઉસદડિયા સભ્યો સાથે વ્હાલા-દવલાની નીતિ રાખતા હોવાનો આક્ષેપ લગાવી અને ફરિયાદ કરી હતી.

પાલિકાનાં નારાજ સભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પાસે કેમ ન ગયા?
પાલિકાનાં નારાજ સભ્યોનું જૂથ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાની પાસે જવાને બદલે જેતપુરનાં ધારાસભ્યનાં નજીકનાં માણસ જયંતિભાઈ રામોલિયા પાસે કેમ ગયા તે ચર્ચાનો વિષય બન્યો છે. ઘણીવાર જેતપુરનાં ધારાસભ્ય જયેશ રાદડિયા જાહેર મંચ પરથી કહેતા હોય છે કે જેતપુર અને ધોરાજીનાં રાજકારણમાં કોઈએ દખલગીરી કરવી નહી, એટલે જ કદાચ આ બાબતમાં અલ્પેશ ઢોલરીયાએ રસ ના દાખવ્યો હોય એમ પણ માની શકાય.

અવિશ્વાસની દરખાસ્તની તૈયારી – સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જેતપુરમા પાલિકાનાં સભ્યો નારાજગી દૂર નહી થાય, તો નારાજ સભ્યો જેતપુર નગરપાલિકાનાં પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ લાવશે. પરંતુ ચર્ચા એ પણ ચાલી રહી છે કે જયેશ રાદડિયા હવે આ આખી નારાજગીની દૂર કરી અને બધું સમુ સુથરું પાર પડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

Scroll to Top