Amit Khunt Case : ગોંડલ (Gondal) તાલુકાના રીબડા (Ribda) ગામની સીમના વાડી વિસ્તારમાં 37 વર્ષીય રાજેશ ઉર્ફે અમિત ખૂંટએ 5 મે 2025ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતકના 39 વર્ષીય મોટાભાઈ મનીષ ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા, બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
3 મે 2025, શનિવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17 વર્ષીય મોડેલિંગનું કામકાજ કરનારી સગીરા દ્વારા અમિત ખૂંટ વિરુદ્ધ બીએનએસ ની કલમ 137 (2), 64(1) તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.
અમિત ઉપર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહએ હુમલો કર્યો હતોઃ મનીષ ખૂંટ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ ખૂંટ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોય જે બાબતે ગત વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ તેમજ તેમના પુત્ર રાજદીપસિંહ દ્વારા મરણ જનાર અમિત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 22 ડિસેમ્બર 2022 ના રોજ રાજદીપસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી, આર્મ્સ એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ મૃતક અમિત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જયરાજ અને અનિરુદ્ધ એક સિક્કાની 2 બાજુ:જિગીષા પટેલ
રીબડાના અમિત ખુંટની આત્મહત્યા બાદ જિગીષા પટેલે (Jeegeesha Patel) વીડિયો જારી કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમા તેણે જણાવ્યું હતું કે…. આત્મહત્યા એ કોઇ વિકલ્પ નથી.. અમિત ખુંટ નિર્દોષ હતો કે દોષિત હતો તે ન્યાય તંત્ર નક્કી કરશે. પરંતુ તેની ઉપર જે આરોપ લાગ્યા તેના પછી તેને આત્મહત્યા કરી લેવી પડે. માધ્યમો દ્વારા જે વાત જાણવા મળી તેમાં તેની પાછળ અનિરૂદ્ધ અને તેના દીકરાનો હાથ છે.
હું તો પહેલા જ કહેતી આવી છું જયરાજ (Jairajsinh Jadeja) હોય કે અનિરૂદ્ધ (Anirudhsinh Jadeja) બંને એક સિસ્કાની બે બાજુ છે. આજે આ બંના ડખ્ખામાં મર્યું કોણ, અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે મરે છે કોણ. આજે એવું કહેવાય છે કે આ અમિત ખુંટ જયરાજ જૂથનો માણસ હતો એટલે જ માટે અનિરૂદ્ધ જૂથના માણોએ તેને ફસાવી તેના ઉપર રેપ કેસ કરાવ્યો અને એમાં એણે પોતાનું જીવન પણ ટુંકાવી નાખવું પડ્યું. તો મારે ગોંડલના સામાન્ય નાગરીકોને એટલું જ કહેવું છે તમે જયરાજ હોય કે અનિરૂદ્ધના વ્હાલા થવા જાઓ છો એના ખોળે બેસવા જાઓ છો તો તમારે લોકોએ વિરાવું જોઇએ કે આવા લોકોના રવાળે ચડો છો ત્યારે પરિણામ શું આવે છે. બીજી મારે એ પણ કહેવું છે અમિત ખુંટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું પરંતુ જ્યારે અમિત ખુંટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા. આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે.
ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો સવા લાખના. મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઇ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારૂ. અમિત ખુંટ ઉપર જે આરોપ લાગ્યા છે અને જે પુરેપુરી ઘટના છે એ મેટરની અંદર ન્યાય તંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે. આ બાબત સબજ્યુડિસ બાબત છે. એટલે તેમાં ફરિયાદી અને આરોપીની બંનેની ગોપનિયતા જાળવી રાખવી જરૂરી છે. પરંતુ મને લાગે છે કે અમિત ખુંટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહતો. અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે આ જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ પોલીસને તંત્રને મેનેજ કરવામાં ખુબ જ માહેર છે. બીજુ મારે એ કહેવું છે કે આ તપાસમાં સત્યા બહાર આવે અને જો કોઇની સાથે અન્ય થાય તો અમે તેની સાથે જ છીએ.