Amit Khunt આપઘાત કેસ: ‘આ આખું કાવતરું જયરાજનું છે’ મને અને મારા પુત્રને ફસાવવાનો પ્રયાસ: અનિરૂદ્ધસિંહનો મોટો આરોપ

amit khunt suicide case Anirudhsinh Jadeja ribda releases video

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના વતની અમિત ખૂંટ વિરુદ્ધ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત 3જી મે 2025ના રોજ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે દુષ્કર્મના ગુનાના આરોપી અમિત ખૂંટને રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરે તે પૂર્વે જ તેણે રીબડા ખાતે 5 મે 2025ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

આ સમગ્ર મામલે મૃતકના 39 વર્ષીય મોટાભાઈ મનીષ ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા, બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે અનિરૂદ્ધસિંહ જાડેજાએ વીડિયો જાહેર કરી જણાવ્યું કે, “અમિત ખૂંટ આપઘાત કેસમાં મને અને મારા પરિવારને ખોટી રીતે સંડોવણી કરવામાં આવી રહી છે. સગીરા દ્વારા મૃતક યુવક અમિત ખૂંટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે હયાત જ છે તેની પોલીસ તપાસ કરે. આપઘાત કેસમાં અમારી સંડોવણી ખુલે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું છે. મને અને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવા કાવતરું ઘડાયું છે.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રીબડા આવ્યા પછી સ્યુસાઇડ નોટમાં ઘણા બધા ચેડાં કરવામાં આવ્યા છે. મારૂં અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરી અમને ફસાવવાનું કાવતરૂ રચાયું છે. પોલીસ આ મામલે ઊંડી તપાસ કરે તેવી માંગ છે. દુષ્કર્મ કેસની પીડિતને મેં કે મારા પરિવારે કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે. પીડિતાનો નંબર મારા ફોનમાં કે એના ફોનમાં મારો નંબર નીકળે છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે. પોલીસને સત્ય બહાર લાવવા પોલીસ ઉંડાણથી તપાસ કરે તે જરૂરી છે.”

પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના દીકરા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર આક્ષેપો કર્યા છે. તેમજ પોતાની ઉપર લાગેલા આક્ષેપોને નકાર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ અમિત ખૂંટને જયરાજસિંહ જાડેજા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.

વધુમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, અમિત ખૂંટે જયરાજસિંહ જાડેજાને ત્યાં આશરો લીધો હતો. તેમજ ખુદ જયરાજસિંહ જાડેજા દ્વારા રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટને ફોન કરીને અમિત પોતાની પાસે છે તેવું જણાવ્યું હતું. તેમજ બપોરના સમયે PI બારોટ રાજકોટ ખાતેથી ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાના ઘરે પણ ગયા હતા. પરંતુ FIR થઈ ચૂકી હોવાના કારણે હવે અમિતને હાજર કરવાનો નથી થતો તેવું જયરાજસિંહ દ્વારા PIબારોટને કહેવામાં આવ્યું હતું.

અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, ગોંડલ મિરઝાપુર જ છે. ગોંડલમાં માત્ર જયરાજનો જ કાયદો ચાલે છે. જયરાજસિંહ કહે તે મુજબ જ પોલીસ ફરિયાદ નોંધે છે. તેમજ પોલીસને જે ચાર પન્નાની સુસાઇડ નોટ મળી છે તેમાં ચોથું પાનું એકદમ જુદું છે તેમજ તેમાં લખેલા અક્ષરો પણ જુદા હોવાનું અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Scroll to Top