Unseasonal Rain in Gujarat : ગુજરાતમાં ભરઉનાળે રવિવારે સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સૌરાષ્ટ્રના જિલ્લામાં માવઠા સાથે વરસાદ વરસ્યો હતો. ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ ભાવનગર સિટીમાં એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના 104 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે પાંચના મોત લોકોના મોત નીપજ્યાં હતા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે પણ અતિભારે વરસાદની આગાહી કરી હતી.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે સોમવારે સાંજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લામાં માવઠા સાથે ભારે વરસ્યો હતો. આજે કચ્છ, મોરબી અને રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે.
ભાવનગરના સિહોરમાં 1 કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 6ઠ્ઠી મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં ઓરેન્જ એલેર્ટ અપાયું છે. 7મી મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 8મી મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડું આવવાની પણ આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટશે.