Amreli news: અમરેલી એસઓજીએ ધારી મદ્રેસાના શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે, પોલીસે મૌલાનાનો મોબાઈલ તપાસતા વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ગ્રુપ મળતાં પોલીસેએ દિશામાં તપાસ હાથ ધરી છે.
જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમરેલી SOGએ શુક્રવારે એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેના વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સાત જેટલાં શંકાસ્પદ ગ્રુપ મળી આવતા અમરેલી એસઓજીની ટીમ આજે શનિવારે વહેલી સવારે મૌલવીને લઈ અમદાવાદ ATSને બપોરે સોંપશે, બાકીની તપાસ ATS કરશે.
ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ પર SOGને શંકા ગઇ હતી, જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પાક-અફઘાનનાં 7 વ્હોટ્સએપ ગ્રુપ મળ્યાં
પોલીસે મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ગ્રુપ મળ્યાં છે, જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે.